26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ બનશે જો બાઇડેન
વડા પ્રધાન મોદીએ આપ્યું આમંત્રણ
નવી દિલ્હીઃ યુએસ પ્રમુખ જો બાઇડેન 26 જાન્યુઆરી, 2024ના રોજ યોજાનારી પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી શકે છે. ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટ્ટીએ બુધવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20 સમિટ દરમિયાન જો બાઇડેન સાથેની તેમની દ્વિપક્ષીય બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું.
આ વર્ષે એટલે કે 2023માં ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હતા. દર વર્ષે, ભારત તેના ગણતંત્ર દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે વિશ્વના નેતાઓને આમંત્રણ આપે છે. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને 2021 અને 2022 માં પ્રજાસત્તાક દિવસ પર કોઈ મુખ્ય અતિથિને આમંત્રિત કરવામાં નહોતા આવ્યા.
2014 થી મોદી સરકારે મુખ્ય અતિથિ તરીકે જુદા જુદા દેશોના મહાનુભાવોને આમંત્રિત કર્યા છે. 2014માં જાપાનના તત્કાલીન પીએમ શિન્ઝો આબે, 2015માં યુએસના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા, 2016માં ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ હોલેન્ડે, 2017માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, 2018માં તમામ 10 ASEAN દેશોના નેતાઓ, 2019માં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, 2020માં બ્રાઝિલના તત્કાલિન રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો દેશની પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ બન્યા હતા.
ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના ક્વાડની આગામી બેઠક 2024માં ભારતમાં યોજાવાની છે, તેથી એમ માનવામાં આવે છે કે જો બાઇડેન જ્યારે ભારત આવે ત્યારે ત્યારે ક્વાડ સમિટનું આયોજન કરવામાં આવી શકે છે. તાજેતરમાં એવા સમાચાર પણ આવ્યા હતા કે ભારત સરકાર આવતા વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણી માટે ક્વાડ જૂથના નેતાઓને આમંત્રિત કરવાનું વિચારી રહી છે.
જોકે, આ વાતને હજી સુધી સત્તાવાર સમર્થન મળ્યું નથી.
રાષ્ટ્રપતિ બાઇડેન, ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ અને જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાની ઉપલબ્ધતાની ખાતરી કર્યા પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.