યુએસ એવિએશન એડમિનિસ્ટ્રેશને પણ સાત વર્ષ પૂર્વે બોઇંગ 737 જેટમાં ફ્યુઅલ સ્વીચ ખામીનો કર્યો હતો ઉલ્લેખ

નવી દિલ્હી : અમદાવાદમાં 12 જુનના રોજ ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન બોઇંગ AI-171નો પ્રારંભિક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં બંને એન્જિનની ફ્યુઅલ નિયંત્રણ સ્વીચોમાં ખામી પ્રકાશમાં આવી છે. જેના લીધે ટેકઓફ થયા પછી થોડીક સેકન્ડોમાં જ વિમાનના બંને એન્જિન અચાનક આપમેળે બંધ થઈ ગયા. જેના કારણે વિમાન ક્રેશ થયું હશે તેવો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, આ ખામીનો ઉલ્લેખ સાત વર્ષ પૂર્વે યુએસ એવિએશન એડમિનિસ્ટ્રેશને પણ એડવાઈઝરીમાં કર્યો હતો.
લોકીંગ સુવિધા અવગણીને ઇન્સ્ટોલ કરવામાં આવી
આ પ્રારંભિક તપાસ અહેવાલ વર્ષ 2018 માં બોઇંગ 737 જેટ પર યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા ઉઠાવવામાં આવેલા મુખ્ય મુદ્દા પર પ્રકાશ પાડે છે. જેમાં ડિસેમ્બર વર્ષ 2018 માં યુએસ એવિએશન રેગ્યુલેટરે એક સ્પેશિયલ એરવર્થિનેસ ઇન્ફર્મેશન બુલેટિન જાહેર કર્યું હતું. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કેટલાક બોઇંગ 737 એરક્રાફ્ટ પર ફ્યુઅલ નિયંત્રણ સ્વીચો લોકીંગ સુવિધાને અવગણીને ઇન્સ્ટોલ કરવામાં આવી હતી.
એડવાઈઝરી પર કોઈ ખાસ ધ્યાનમાં આપ્યું નહી
આ માત્ર એડવાઈઝરી હતી તેથી તેની પર કોઈ ખાસ ધ્યાનમાં આપ્યું નહી. આ ઉપરાંત બોઇંગ 787-8 જેટમાં સમાન સ્વીચ ડિઝાઇનનો ઉપયોગ થાય છે. જેમાં એર ઇન્ડિયાના VT-ANBનો પણ સમાવેશ થાય છે. જે 12 જૂને ક્રેશ થયું હતું, જેમાં 260 લોકો માર્યા ગયા હતા.
સ્વીચો વિમાનના એન્જિનમાં બળતણ પ્રવાહને નિયંત્રિત કરે છે
આ સ્વીચો વિમાનના એન્જિનમાં ફ્યુઅલ પ્રવાહને નિયંત્રિત કરે છે. પાયલોટ્સ દ્વારા જમીન પર એન્જિન શરૂ કરવા અથવા બંધ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જો હવામાં એન્જિન નિષ્ફળ જાય તો તેનો ઉપયોગ એન્જિન બંધ કરવા અથવા ફરીથી શરૂ કરવા માટે પણ થાય છે.આ ઉપરાંત નિષ્ણાતોના મતે વિમાનના ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટમાં સમસ્યાને કારણે સ્વીચો ટ્રીપ થઈ હોઈ શકે છે.
આપણ વાંચો: …તો ફ્યુલ સ્વિચ બંધ કોણે કરી? અમદાવાદ એરક્રેશનો પ્રાથમિક અહેવાલ કોઈ ગૂઢ રહસ્ય તરફ ઈશારો કરે છે
વિમાનના બંને એન્જિન અચાનક આપમેળે બંધ થઈ ગયા
AAIB ના 15 પાનાના અહેવાલ મુજબ વિમાને સવારે 08:08 વાગ્યે 180 નોટની મહત્તમ સૂચક એરસ્પીડ (IAS) પ્રાપ્ત કરી હતી. આ પછી તરત જ એન્જિન-1 અને એન્જિન-2ના ફ્યુઅલ કટ-ઓફ સ્વીચો ફક્ત 1 સેકન્ડમાં ‘RUN’ થી ‘CUTOFF’સ્થિતિમાં ખસી ગયા હતા. જેના કારણે એન્જિનમાં ફ્યુઅલ આવવાનું બંધ થઈ ગયું અને બંને એન્જિનની N1 અને N2 રોટેશન સ્પીડ ઝડપથી ઘટવા લાગી હતી.