વેનેઝુએલા પર અમેરિકાના હુમલાની શશિ થરૂરે ટીકા કરી, કહ્યું જંગલ રાજ ચાલી રહ્યું છે…

અમેરિકાએ વેનેઝુએલા પર હુમલાની અનેક દેશોએ નિંદા કરી છે. જેમાં રશિયા, ચીન, બ્રાઝીલ, ફ્રાંસ, ઈરાન, મેક્સિકો સહીતના ઘણા દેશોએ યુએસ આક્રમણને વખોડી કાઢ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા સાંસદ શશિ થરૂરે આ હુમલાની આકરી ટીકા કરી છે. તેમજ એકસ પર કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય કાયદો અને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરને અવગણવામાં આવી રહ્યું છે. આજે જંગલ રાજ ચાલી રહ્યું છે. જેની લાઠી એની ભેંસનો નવો નિયમ છે.
21મી સદીની ભાષામાં 19મી સદીનો સામ્રાજ્યવાદ
આ ઉપરાંત કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ અભિષેક મનુ સિંઘવીએ પણ અમેરિકાની કાર્યવાહીની ટીકા કરી હતી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ક્રુઝ મિસાઇલોથી શાસન પરિવર્તન, યુદ્ધ જહાજોથી લોકશાહી, અને સ્વ-નિર્મિત સિદ્ધાંત હેઠળ સાર્વભૌમત્વનું પુનર્લેખન. આ નેતૃત્વ નથી, તે 21મી સદીની ભાષામાં 19મી સદીનો સામ્રાજ્યવાદ છે. જો આંતરરાષ્ટ્રીય કાયદો ફક્ત નબળા લોકો માટે જ મહત્વ ધરાવે છે, તો યુએન બંધ થઈ જવું જોઈએ. દુનિયા નિયમોની ચાલે છે ન કોઇ સ્વછંદ શાસકની મનમાનીથી.
મુદ્દાઓના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતની અપીલ
આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે, આ હુમલો ચિંતાનો વિષય છે. અમે આ સ્થિતી પર નજર રાખી રહ્યા છીએ. તેમજ ભારતે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે મુદ્દાઓના શાંતિપૂર્ણ ઉકેલ માટે પણ હાકલ કરે છે. ભારત વેનેઝુએલાના લોકોની સુખાકારી અને સુરક્ષા માટે પોતાના સમર્થનની પુષ્ટિ કરે છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે , અમે તમામ સંબંધિત પક્ષોને વાતચીત દ્વારા શાંતિપૂર્ણ રીતે મુદ્દાઓનું નિરાકરણ લાવવા અપીલ કરીએ છીએ જેથી પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે.
આ પણ વાંચો…વેનેઝુએલામાં સંકટ મુદ્દે ભારત સરકારે જારી કરી એડવાઈઝરી, ભારતીયોને સાવધ રહેવા સૂચના…

ભારત સરકારે ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરી
વેનેઝુએલાની રાજધાની કારાકાસ પર શનિવારે શ્રેણીબદ્ધ મિસાઈલ હુમલાઓ થયા હતા. આ તમામ હુમલાઓ પાછળ અમેરિકાનો હાથ છે. અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાક્રમને લઈને વેનેઝુએલામાં રહેતા ભારતીયો અને વેનેઝુએલા જવા ઈચ્છતા ભારતીયો માટે ભારત સરકારે એક એડવાઇઝરી જાહેર કરી છે અને કેટલીક મહત્ત્વની સૂચનાઓ આપી છે.
વેનેઝુએલાની બિનજરૂરી યાત્રાઓથી બચો
ભારત સરકારે જણાવ્યું છે કે, વેનેઝુએલાની બિનજરૂરી યાત્રાઓથી બચો. જે કોઈ ભારતીયો કોઈ કારણોસર વેનેઝુએલામાં છે, તેઓ વધુ સાવધાની રાખો. તમારી એેક્ટિવિટી સીમિત રાખો અને કારાકસ ખાતેના ભારતીય દૂતાવાસનો સંપર્ક કરો. ભારતીય વિદેશ મંત્રાલયે સંપર્ક માટે cons.caracas@mea.gov.in ઇમેલ આઈડી અને +58-412-9584288(વ્હોટ્સએપ માટે પણ) જાહેર કર્યો છે. આ બંને માધ્યમોથી વેનેઝુએલામાં રહેતા ભારતીયો ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શકે છે.
આ પણ વાંચો…અડધી રાત્રે 150 લડાકુ વિમાનો ત્રાટક્યા, 30 મિનિટમાં ખેલ ખતમ, કિલ્લા જેવા મહેલમાંથી માદુરો ઝડપાયા



