ટોપ ન્યૂઝનેશનલ

મશહૂર ‘Urdu poet Munawwar Rana’નું હાર્ટએટેકથી નિધન, લખન‌ઊમાં લીધા અંતિમ શ્વાસ

લખન‌ઊ: આજે એક અવાજ શાંત થઈ ગયો. પોતાની માતા પર અનેક રચનાઓ લખનાર પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાનું મોડી રાત્રે કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું હતું. તેમણે 71 વર્ષની વયે દુનિયાને અલવિદા કર્યુ છે. તેઓ ઘણા દિવસોથી બીમાર હતા. તેમની લખન‌ઊના પીજીઆઈમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ રવિવારે મોડી રાત્રે અચાનક તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમનું અવસાન થયું હતું. મુનવ્વરને કિડની અને હૃદય સંબંધિત ઘણી સમસ્યાઓ હતી.

ગત વર્ષે મુનવ્વર રાણાની તબિયત ખરાબ હોવાને કારણે લખન‌ઊની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે પણ તેમની હાલત એટલી બગડી ગઈ હતી કે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. રાણાની પુત્રી અને સપા નેતા સુમૈયા રાણાએ જણાવ્યું હતું કે તેમના પિતાની તબિયત છેલ્લા બે-ત્રણ દિવસથી ખરાબ હતી. ડાયાલિસિસ દરમિયાન તેમને પેટમાં દુખાવો થતો હતો જેના કારણે ડૉક્ટરે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેમના પિત્તાશયમાં થોડી સમસ્યા હતી, જેના કારણે તેની સર્જરી કરવામાં આવી હતી. જ્યારે તેમની તબિયતમાં સુધારો ન થયો, ત્યારે તેમને વેન્ટિલેટર સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા.


મુનવ્વર રાણા એક પ્રખ્યાત કવિ અને લેખક હતા. તેમણે ઉર્દૂ સિવાય હિન્દી અને અવધી ભાષાઓમાં લખ્યું હતું. મુનવ્વરે તેમની ગઝલો વિવિધ શૈલીમાં પ્રકાશિત કરી. તેમને 2014 માં ઉર્દૂ સાહિત્ય માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર અને 2012 માં શહીદ શોધ સંસ્થાન દ્વારા માટી રતન સન્માનથી નવાજવામાં આવ્યા હતા. તેમણે લગભગ એક વર્ષ પછી એકેડેમી એવોર્ડ પરત કર્યો હતો. વળી, વધતી જતી અસહિષ્ણુતાને કારણે તેમણે ક્યારેય સરકારી પુરસ્કારો નહીં સ્વીકારવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.


તેઓ ઉત્તર પ્રદેશના રાજકીય વિકાસમાં પણ સક્રિય હતા. તેમની પુત્રી સુમૈયા પોતે સમાજવાદી પાર્ટીની સભ્ય છે. રાણા પોતાના રાજકીય નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહેતા હતા. તેમના નિધનના સમાચારને પગલે સાહિત્ય જગતમાં હાલ શોકનું મોજું ફેલાયું છે. આ મહાન કવિના નિધનથી સૌ કોઈ દુઃખી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button