UPSCની પ્રાથમિક પરીક્ષા પૂર્ણ : ગયા વર્ષની સરખામણીએ પેપર સરળ રહ્યા
અમદાવાદ: આજે 16 જૂનના રોજ દેશમાં સૌથી અઘરી ગણાતી અને દેશને સિવિલ સેવકો આપતી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પ્રાથમિક પરીક્ષાઓ યોજાઇ હતી. આજે યુપીએસસીની પ્રાથમિક પરીક્ષાના બે પેપરો લેવામાં આવ્યા હતા. સવારે 9:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી પ્રથમ પેપર અને બપોરના 2:30 વાગ્યાથી લઈને 4:30 સુધી બીજું પેપર લેવામાં આવ્યું હતું. આજે બંને પેપર બાદ પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે અને આગામી સમયમાં મુખ્ય પરીક્ષા માટે પાસ કરનાર ઉમેદવારોને બોલાવવામાં આવશે.
ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટ ખાતે આ પરીક્ષા યોજાઇ હતી. અમદાવાદના 20 જેટલાં કેન્દ્રોમાં લગભગ 7 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જ્યારે રાજકોટમાં યુપીએસસીની પરીક્ષા 12 કેન્દ્ર ઉપરથી યોજાય રહી છે. જેમાં 3,024 ઉમેદવારો પરીક્ષા આપી હતી. આ પરીક્ષા દરમિયાન સ્ટ્રોંગ રૂમથી પરીક્ષા કેન્દ્રો સુધી સંવેદનશીલ સાહિત્ય પહોંચાડવા માટે મામલતદાર (ચૂંટણી), લોધિકા અને કોટડા સાંગાણીના મામલતદારની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે સીલ પેક કવરને પોસ્ટ ઓફિસથી પાર્સલ બુક કરાવવા માટે અન્ય મમાલતદાર કક્ષાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચો : EVMના હેકિંગ થવાના આરોપ પર ચૂંટણી પંચની પ્રતિક્રિયા “ડિવાઇસને કોઈ હેક ન કરી શકે”
પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ પેપર સરળ હોવાનું જણાવ્યું હતું. ગયા વર્ષની સરખામણીએ બંને પેપર ઘણા સરળ રહ્યા હતા. જો કે ઇકોનોમિક્સ સેકશન થોડું અઘરું રહ્યું હતું. ઇકોનોમિક્સ સેકશનમાં મોટાભાગના પ્રશ્નો સ્ટેટિક અને અમુક કરંટના આધારે પૂછવામાં આવ્યા હતા. તો ભૂગોળમાં પણ ઘણા સરળ પ્રશ્નો પૂછાયા હતા. મોટાભાગના પ્રશ્નો કોન્સેપ્ટ આધારિત હતા. ગંભીરતાથી તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે આ પેપર ઘણા સરળ રહ્યા હતા.
આજની યુપીએસસી પ્રાથમિક પરીક્ષાઓને પાસ કરનાર ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપશે. આજે યુપીએસસી દ્વારા 1056 જગ્યાઓ માટેની પ્રાથમિક પરીક્ષા યોજી હતી. જેમાં વિલાનગો માટે 40 બેઠકો અનામત રાખવામાં આવી હતી. પ્રાથમિક, મુખ્ય અને ઇન્ટરવ્યૂ એમ ત્રણ તબક્કા બાદ આ પરીક્ષા પૂર્ણ થશે.