Puja Khedkar વિવાદ વચ્ચે યુપીએસસીના ચેરમેન મનોજ સોનીએ આપ્યું રાજીનામું
નવી દિલ્હી : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના અધ્યક્ષ મનોજ સોનીએ પૂજા ખેડકર(Puja Khedkar) વિવાદ વચ્ચે રાજીનામું આપી દીધું છે. તેમનો કાર્યકાળ 2029માં પૂરો થવાનો હતો. તેમણે અંગત કારણોસર પાંચ વર્ષ પહેલા પદ છોડી દીધું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર મનોજ સોનીના રાજીનામાનો પૂજા ખેડકરના વિવાદ સાથે કોઈ સંબંધ નથી. મળતી માહિતી મુજબ મનોજ સોનીએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
બે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ રહી ચૂક્યા
મનોજ સોની 2017માં આયોગમાં સભ્ય તરીકે જોડાયા હતા. 16 મે, 2023 ના રોજ, તેમને UPSC ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. મીડિયા રિપોર્ટ અનુસાર તેમણે એક મહિના પહેલા રાજીનામું આપી દીધું હતું. જોકે, તે સ્પષ્ટ નથી કે તેને રાહત મળશે કે નહીં. સરકારે હજુ નવા ચેરમેનના નામની જાહેરાત કરી નથી. યુપીએસસીમાં જોડાતા પહેલા તેઓ બે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ રહી ચૂક્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક
માનવામાં આવે છે કે મનોજ સોની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક છે. 2005 માં તેમને એમએસ યુનિવર્સિટી, વડોદરાના વાઇસ ચાન્સેલર બનાવવામાં આવ્યા હતા. આ પછી તેમને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનાવવામાં આવ્યા. તેઓ અહીં બે ટર્મ માટે વાઈસ ચાન્સેલર રહ્યા હતા. UPSC સિવિલ સર્વિસ સહિત દેશની પ્રતિષ્ઠિત નોકરીઓ માટે પરીક્ષાઓનું આયોજન કરે છે.
IAS પૂજા ખેડકરને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે
હાલમાં, તાલીમાર્થી IAS પૂજા ખેડકરને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. એક દિવસ પહેલા, UPSC એ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે પૂજા ખેડકર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. પૂજા ખેડકર પર સિવિલ સર્વિસ સિલેક્શન માટે ખોટા પ્રમાણપત્રો રજૂ કરવાનો આરોપ છે. આરોપોમાં ઘેરાયા બાદ તેની ટ્રેનિંગ બંધ કરી દેવામાં આવી છે. તે જ સમયે, ખેડકરની માતા પણ ખેડૂતોને બંદૂકની અણી પર ધમકાવવાના આરોપોથી ઘેરાયેલી છે.