Waqf Act Bill મુદ્દે સંસદમાં ધમાલઃ ઓવૈસીએ કહ્યું બિલ મુસ્લિમ વિરોધી અને…
નવી દિલ્હી: ભારે હોબાળા વચ્ચે સંસદમાં સરકાર તરફથી આજે વક્ફ બોર્ડમાં સુધારાની માગ કરતું બિલ રજૂ કરવામાં આવ્યું. તેની સાથે જ જેનું અનુમાન હતું તે મુજબ જ ભારે હોબાળો અને આરોપ પ્રત્યારોપ તેમજ રાજનીતિ શરૂ થઈ ગઈ હતી. વિરોધ પક્ષ દ્વારા આ ખરડાને લોકસભામાં રજૂ કરતાં જ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષે આ બિલને બંધારણના મૂળ પર હુમલો કહ્યો હતો. જો કે સરકાર પક્ષે આ મામલે કહેવામાં આવ્યું છે કે આ બિલ ધર્મ વિરોધી નથી અને આનાથી ધાર્મિક સ્થળોની કાર્યપ્રણાલીમાં પણ કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ નહિ થાય.
વિશ્વાસની સ્વતંત્રતા પર હુમલો:
વકફ સુધારા બિલનો વિરોધ કરતા કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે, ‘અમે હિંદુ છીએ, પરંતુ સાથે જ અમે અન્ય ધર્મોની આસ્થાનું પણ સન્માન કરીએ છીએ. આ બિલ એટલા માટે લાવવામાં આવી રહ્યું છે કારણ કે મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી છે. પાછલી વખત દેશની જનતાએ તમને પાઠ ભણાવ્યો હતો તે બાબત તમે હજુ નથી સમજી રહ્યા. આ દેશના સંઘીય માળખા પર હુમલો છે. આ બિલ દ્વારા એવી જોગવાઈ લાવવામાં આવી રહી છે કે બિન-મુસ્લિમ પણ વક્ફ ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય બની શકે છે. આ વિશ્વાસની સ્વતંત્રતા પર સીધો હુમલો છે. હવે તમે ખ્રિસ્તીઓ, જૈનો સાથે પણ આવું કરશો. દેશની જનતા આ પ્રકારની વિભાજનકારી રાજનીતિને સહન નહીં કરે.
એનસીપીના (SP) સાંસદ સુપ્રિયા સુલેએ બિલનો વિરોધ કર્યો અને કહ્યું, ‘હું સરકારને અપીલ કરું છું કે તે બિલ પાછું ખેંચે અથવા તો તેને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલે. કૃપા કરીને પરામર્શ વિના તમારા એજન્ડાને ન ચલાવે.
આ પણ વાંચો : Waqf Board Bill: આજે સંસદમાં વક્ફ બોર્ડ સંશોધન બિલ રજૂ થશે, આ મોટા ફેરફારો થશે
બિલ તમારા મુસ્લિમોના દુશ્મન હોવાનો પુરાવો:
AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વકફ બિલને લઈને કહ્યું કે, ‘આ બિલ બંધારણની કલમ 14, 15 અને 25નું ઉલ્લંઘન કરે છે. આ બિલ ભેદભાવપૂર્ણ અને મનસ્વી છે. આ બિલ લાવીને સરકાર દેશના ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે. આ બિલ એ વાતનો પુરાવો છે કે તમે મુસ્લિમોના દુશ્મન છો.
અધ્યક્ષના હકો માટે લડી આપશુ:
સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે આ બિલ જે રજૂ કરવામાં આવ્યું છે તે ખૂબ જ સમજી વિચારીને રાજનીતિના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે. તેમણે લોકસભા અધ્યક્ષને ઉદેશીને કહ્યું હતું કે મેં તો સાંભળ્યું છે કે તમારા પણ કેટલાક અધિકારો પણ ખેંચવામાં આવી રહ્યા છે અને અમે તમારા હકો માટે પણ લડીશું અને હું બિલનો વિરોધ કરું છું. કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ અખિલેશના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે તમે લોકસભા અધ્યક્ષના અધિકારોના સરક્ષક નથી.
નિરંકુશ સંસ્થાને અંકુશમાં લાવવા માટેનું બિલ:
વકફ સંસોધન બિલ 2024 પર સરકારનો પક્ષ રજૂ કરતાં કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહે કહ્યું, ‘આ બિલ મુસ્લિમો વિરુદ્ધનું કઈ રીતે હોય શકે? આ બિલ માત્ર પારદર્શિતા માટે લાવવામાં આવ્યું છે. વિપક્ષ મંદિરો સાથે તેની સરખામણી કરીને મુખ્ય મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ બિલ કોઇ મસ્જિદની સાથે છેડછાડ નહિ કરે, આ બિલ નિરંકુશ સંસ્થાને અંકુશમાં લાવવા માટેનું છે અને તેનો સરકારને અધિકાર છે.