સંસદમાં ફરી હોબાળો, ગૃહમાં મુદ્દા ઉઠાવવા બાબતે INDIA ગઠબંધન વિભાજીત
નવી દિલ્હી: અપેક્ષા મુજબ સંસદના શિયાળુ સત્રમાં હોબાળો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અદાણી મુદ્દે ચર્ચા કરવા અડગ છે, જયારે અન્ય વિપક્ષી પાર્ટીઓ બીજા ઘણા મુદ્દે ચર્ચા ઈચ્છે છે. આજે પણ વિપક્ષે લોકસભામાં હોબાળો મચાવ્યો હતો, વિપક્ષે લોકસભામાંથી વોકઆઉટ કર્યું છે. ગૃહમાંથી વોકઆઉટ કર્યા બાદ વિપક્ષી સાંસદો સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને નવા ચૂંટાયેલા સાંસદ પ્રિયંકા ગાંધી સામેલ છે. નોંધનીય વાત એ છે કે સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસે આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા નથી.
સંસદમાં સુત્રોચ્ચાર:
સંસદ પરીસરમાં હોબાળા દરમિયાન સાંસદો હાથમાં પોસ્ટર્સ અને બેનર્સ લઇને પહોંચ્યા હતાં અને સુત્રોચ્ચાર કર્યા હતાં. આ દરમિયાન એક મોટા બેનરમાં ‘મોદી-અદાણી એક છે’ સૂત્ર લખેલું જોવા મળ્યું હતું. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું કે અમે મોદી સરકારની નીતિઓનો વિરોધ કરી રહ્યા છીએ. ગૃહની અંદર ચર્ચા નથી કરવામાં આવતી, તેથી અમે સંસદ પરિસરમાં વિરોધ નોંધાવી રહ્યા છીએ.
ઇન્ડિયા ગઠબંધનમાં મતભેદો:
સંસદ પરિસદમાં વિરોધ દરમિયાન ઇન્ડિયા ગઠબંધનમાં મતભેદો ખુલીને સામે આવ્યા હતાં. વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામેલ થયા હતાં, પરંતુ સમાજવાદી પાર્ટી અને તૃણમુલ કોંગ્રેસના સાંસદો વિરોધમાં ન જોડાયા.
સપા અને ટીએમસીની માંગ:
25 નવેમ્બરથી શરૂ થયેલા સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષના હોબાળાને કારણે સતત વિક્ષેપ પડી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી સમગ્ર ધ્યાન અદાણી પર અમેરિકામાં લાગેલા આરોપો પર કેન્દ્રિત કરી રહી છે. પરંતુ સમાજવાદી પાર્ટી સંભલ શહેરમાં થયેલી કોમી હિંસા પર ચર્ચાની માંગ કરી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ ઇચ્છે છે કે મોંઘવારી, બેરોજગારી, ખેડૂતો, ખાતર, વિપક્ષ સાશિત રાજ્યો અને મણિપુરને આપવામાં આવેલા નાણાંમાં કાપ જેવા મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચા થવી જોઈએ.
સપાના સાંસદો આજે લોકસભા અધ્યક્ષને મળ્યા હતા અને સંભલ હિંસા મુદ્દા પર ચર્ચા માટે વિનંતી કરી હતી. સપાના સાંસદ ધર્મેન્દ્ર યાદવે કહ્યું કે અમારા માટે અદાણી કરતા ખેડૂતોનો મુદ્દો મોટો છે.
Also Read – અકાલી દળના વડા વાસણો અને જૂતા સાફ કરતા જોવા મળ્યા, આ ભૂલની મળી સજા
રેણુકા ચૌધરીનું વિવાદિત નિવેદન:
કોંગ્રેસના નેતા રેણુકા ચૌધરીના એક નિવેદન પર વિવાદ ઉભો થયો છે કે રેણુકા ચૌધરીએ કહ્યું હતું કે અમારો પ્રયાસ છે કે ગૃહની કાર્યવાહી સુચારૂ રીતે ચાલે કારણ કે જનતાએ અમને ચૂંટીને સંસદમાં મોકલ્યા છે. પરંતુ ગૃહ ચલાવવાની જવાબદારી અમારી નથી પણ ખુરશી પર બેઠેલા લોકોની જવાબદારી છે. જો તેઓ લાયક છે તો ચાલશે, જો તેઓ નાલાયક છે તો નહીં ચાલે.