Budget Session: બીજા ફેઝના પહેલા દિવસે રાજ્યસભામાં હોબાળો; વિપક્ષનું વોકઆઉટ

નવી દિલ્હી: સંસદના બજેટ સેશનના બીજા ફેઝની આજથી શરૂઆત થઇ ચુકી છે. બીજા ફેઝના પહેલા દિવસે જ રાજ્યસભામાં ભારે હોબાળો (Uproar in Rajyasabha) થયો હતો. મતદાર યાદીમાં કથિત ગેરરીતિઓ અને લોકસભા મતવિસ્તારના સીમાંકનના મુદ્દે પર વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો.
વિપક્ષના સાંસદોએ મતદાર યાદીમાં કથિત ગેરરીતિઓ અને લોકસભા મતવિસ્તારના સીમાંકનના મુદ્દે ગૃહમાં ચર્ચાની માંગ કરી હતી. ઉપ સભાપતિએ વિપક્ષની માંગ નકારી કાઢી હતી, બાદમાં વિપક્ષના સાંસદો રાજ્યસભા ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતાં.
આ પણ વાંચો: રાજ્યસભામાં રજૂ થયો વક્ફ બિલ પર સંયુક્ત સંસદીય સમિતિનો રિપોર્ટ, વિપક્ષે કર્યો હોબાળો
ઉપા સભાપતિએ અરજીઓ ફગાવી:
કાર્યવાહી શરૂ થતાં જ, ઉપા સભાપતિ હરિવંશ નારાયણ સિંહે કહ્યું કે તેમને નિયમ 267 હેઠળ મતદાર ફોટો ઓળખ કાર્ડ (EPIC) નંબરનું ડુપ્લિકેશન, મતક્ષેત્રોનું સીમાંકન, ભારતમાં મતદાન ટકાવારી વધારવા માટે અમેરિકા તરફથી મળેલું ભંડોળ સહિતના કેટલાક મુદ્દાઓ પર તાત્કાલિક ચર્ચા માટે 12 નોટિસ મળી છે. તેમણે આ બધી નોટિસ ફગાવી દીધી હતી. જેને કારણે વિપક્ષના સાંસદો નારાજ થયા હતાં.
વિપક્ષનું વોક આઉટ:
કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સહિત વિપક્ષના સાંસદ સભ્યો ચેરની નજીક આવ્યા અને હોબાળો મચાવ્યો. ઉપ સભાપતિ હરિવંશે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને મત રજૂ કરવાની મંજૂરી આપી. ખડગેએ બોલવાનું શરૂ કર્યું હતું ત્યારે ઉપ સભાપતિએ કહ્યું કે તેઓ નકારી કાઢવામાં આવેલી નોટિસ સંબંધિત મુદ્દાઓ ઉઠાવી શકે નહીં. આ પછી, વિપક્ષી સાંસદોએ થોડા સમય માટે વિરોધ કર્યો અને પછી ગૃહમાંથી વોકઆઉટ કર્યું.
વિપક્ષ મતદાર યાદીમાં કથિત છેડછાડ, મણિપુરમાં હિંસાની તાજેતરની ઘટના અને ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ભારતનું વલણ જેવા મુદ્દાઓ ઉઠાવી રહ્યું છે. જ્યારે સરકારનું ધ્યાન ગ્રાન્ટની માંગણીઓ માટે સંસદની મંજૂરી મેળવવા તેમજ બજેટ પ્રક્રિયા પૂર્ણ કરવા, મણિપુર બજેટ માટે મંજૂરી મેળવવા અને વકફ સુધારા બિલ પસાર કરવા પર રહેશે.