તમે પણ UPI વાપરો છો? તો આછે તમારા ફાયદાની વાત, આજે જ જાણો…
નવી દિલ્હીઃ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NCPI) ટૂંક સમયમાં UPI લાઇટ ગ્રાહકો માટે ઓટો ટોપ-અપ સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. આના દ્વારા યુઝર્સને તેમના બેંક એકાઉન્ટમાંથી UPI લાઇટમાં વારંવાર પૈસા જમા કરાવવાની જરૂર નહીં પડે. આ રકમ UPI વોલેટમાં આપમેળે જમા થઈ જશે. આ નવી સુવિધા 31 ઓક્ટોબરથી શરૂ થશે. NPCIએ હાલમાં જ આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. તદનુસાર, ગ્રાહકો તેમની પસંદગીની રકમ તેમના UPI Lite એકાઉન્ટમાં ફરીથી ક્રેડિટ કરવા માટે ઓટો ટોપ-અપ વિકલ્પનો ઉપયોગ કરી શકશે. ગ્રાહકો કોઈપણ સમયે આ સુવિધા બંધ પણ કરી શકે છે.
ગ્રાહકો દ્વારા કરવામાં આવતી નાની નાની ચુકવણીઓ માટે UPI Lite સુવિધા શરૂ કરવામાં આવી છે. આ દ્વારા 500 રૂપિયા સુધીની ચુકવણી માટે UPI પિનની જરૂર નહી પડે. જો ચુકવણી આ રકમ કરતાં વધી જાય, તો જ UPI પિન દાખલ કરવો જરૂરી બનશે. આ સુવિધામાં, ગ્રાહકે બેંક ખાતામાંથી UPI લાઇટ ખાતામાં ટ્રાન્સફર કરવા માટે એક નિશ્ચિત રકમ નક્કી કરવી પડશે. જો કોઈ ગ્રાહકે ટોપ-અપ તરીકે રૂ. 1000ની મર્યાદા નક્કી કરી હોય, તો UPI લાઇટ વોલેટમાં બેલેન્સ ખતમ થતાંની સાથે જ તેમાં રૂ. 1000 આપોઆપ ઉમેરાઇ જશે. આને કારણે UPI દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરનારાઓને મોટી સુવિધા મળશે
UPI લાઇટમાં વધુમાં વધુ રકમ 2,000 રૂપિયા ઉમેરી શકાય છે. આનો અર્થ એ છે કે ગ્રાહકો એક સમયે માત્ર રૂ. 2,000 ઓટો-ટોપ કરી શકે છે. આ સૂચનાઓ બેંકો અને કંપનીઓને લાગુ પડશે જે આ સૂચનાઓ જારી કરશે. બેંક ખાતામાંથી UPI Lite એકાઉન્ટમાં એક નિશ્ચિત રકમ દિવસમાં વધુમાં વધુ 5 વખત ઉમેરી શકાશે. મેન્ડેટ સુવિધા આપતી વખતે સંબંધિત થર્ડ પાર્ટી પેમેન્ટ એપ સર્વિસ કંપનીઓ અને બેંકોએ વેરિફિકેશન કરવું પડશે.
આ પણ વાંચો : ભારતના UPIએ ચીન-અમેરિકાને પણ છોડ્યું પાછળ: ત્રણ મહિનામાં થયા 81 લાખના વ્યવહારો!
UPIનું લાઇટ વર્ઝન UPI Lite તરીકે ઓળખાય છે, જેમાં તમને પૈસા ટ્રાન્સફર કરવા માટે ઇન્ટરનેટની જરૂર નથી પડતી. આ ઓન ડિવાઇસ વોલેટ છે, જેમાં તમે ઇન્ટરનેટ વિના પણ રિઅલ ટાઇમમાં નાની નાની રકમ ટ્રાન્સફર કરી શકો છો. એટલું જ નહીં UPI ના લાઇટ વર્ઝનનો ઉપયોગ BHIM અને Paytm પર પણ કરવાની સુવિધા છે. હાલમાં, કુલ આઠ બેંકો પાસે UPI લાઇટ સુવિધાનો ઉપયોગ કરવાની પરવાનગી ઉપલબ્ધ છે.