UPIને કારણે ATMને પડ્યો મોટો ફટકો, સંખ્યા ઘટી
નવી દિલ્હીઃ દેશમાં પ્રથમ વખત ATM નાસંખ્યામાં ઘટાડો થયો છે. સરકારે સોમવારે સંસદમાં આ માહિતી આપી હતી. મેટ્રો, અને શહેરો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ATMની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર 2024ના અંતે દેશમાં ATMની સંખ્યા 2,55,078 હતી, જે એક વર્ષ અગાઉ 2,57,940 હતી. શહેરી વિસ્તારોમાં ATMની સંખ્યામાં એક ટકા જેટલો અને ગ્રામીણ વિસ્તારોમાં ATMની સંખ્યામાં 2.2 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જ્યારથી QR કોડ અધારિત UPI સિસ્ટમ આવી ગઇ છે ત્યારથી દરેક લોકોને ઘણી જ રાહત થઇ ગઇ છે. તેમને ખર્ચ માટે રોકડ કઢાવવા માટે ATM કે બેંકમાં જવાની જરૂર જ નથી રહી. તેઓ UPIથી પેમેન્ટ કરીને દરેક ખરીદી કરી રહ્યા છે, જેને કારણે ATMના ઇતિહાસમાં પહેલી વાર દેશમાં તેની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
એક જમાનો હતો જ્યારે ખાતાધારકોએ રોકડ કઢાવવા માટે બેંકમાં જવું પડતું હતું. બેંકોમાં મોટી લાઇનો રહેતી અને લોકોનો અમૂલ્ય સમય પણ વેડફાતો હતો, એવા સમયે ATM આવતા લોકોને ઘણી રાહત થઇ હતી. લોકો દમે તે સમયે તેમાંથી રોકડ કઢાવી શકતા હતા, જેને કારણે ATM બહુ જ ઉપયોગી થઇ પડ્યા હતા. બેંકોને પણ તેનો ખયાલ આવી ગયો હતો અને બેંકોએ તેના કસ્ટમરોને માથે ATM ચાર્જીસ, મહિનામાં અમુક વાર જ રોકડ ઉપાડની મંજૂરી અન્યથા વધારાના ચાર્જીસ નાખવા માંડ્યા હતા. આને કારણે લોકો પણ ત્રાસી ગયા હતા. પેમેન્ટ ટૂલ્સ તરીકે UPI અને કાર્ડના ઉદભવે રોકડનો ઉપયોગ ઘટાડ્યો છે. આ કારણોસર ATM અવ્યવહારુ બની ગયા છે. શાકભાજીથી લઈને ઓટો રાઈડ અને મોંઘી ખરીદી માટે ગ્રાહકો યુપીઆઈનો ઉપયોગ કરી રહ્યા છે.
Also read: સિગારેટ, તમાકુ, કોલ્ડડ્રિન્ક્સ પર 35% GST લદાશે! GoMનો આ ફેરફારોનો પ્રસ્તાવ રજુ કર્યો
ભારતમાં છેલ્લા નવ વર્ષમાં ડિજિટલ પેમેન્ટ્સમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જન ધન યોજના, યુપીઆઈનો ફેલાવો અને મોબાઈલ ઈન્ટરનેટના વ્યાપક ઉપયોગથી આ શક્ય બન્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં UPI ટ્રાન્ઝેક્શનમાં 25 ગણો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2018-19માં તે રૂ. 535 કરોડ હતો, જે નાણાકીય વર્ષ 2023-24માં વધીને રૂ. 13,113 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2024-25 (સપ્ટેમ્બર સુધી)માં રૂ. 122 લાખ કરોડના 8,566 કરોડથી વધુ UPI વ્યવહારો નોંધાયા છે.