લોકસભાની આગામી ચૂંટણી બે વિચારધારાની લડાઈ: રાહુલ ગાંધી
જગદાલપુર (છત્તીસગઢ) : કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણી બંધારણ અને લોકશાહીની રક્ષા કરવા માટેની વિચારધારા અને તેને ખતમ કરવા માગતી વિચારધારાની વચ્ચેની લડાઈ છે. છત્તીસગઢના બસ્તર જિલ્લામાં બસ્તર બેઠક માટે પ્રચાર કરતાં તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપ અને આરએસએસ દેશના આદિવાસીઓના ધર્મ, વિચારધારા અને ઈતિહાસ પર હુમલો કરી રહ્યા છે. તેમણે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની વાતનું પુનરાવર્તન કર્યું હતું.
રાષ્ટ્ર પ્રમુખ દ્રૌપદી મુર્મૂને અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર રહેવાની પરવાનગી આપવામાં આવી નહોતી, કેમ કે તેઓ આદિવાસી છે. આમાંથી ભગવી પાર્ટીની માનસિકતા સ્પષ્ટ થાય છે એવો આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યો હતો.
આ પણ વાંચો: I.N.D.I.A. ગઠબંધનના પીએમપદના ઉમેદવાર કોણ, જાણો રાહુલ ગાંધીનો જવાબ?
રાહુલ ગાંધી બસ્તરની અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવેલી બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર કવાસી લખમા માટે પ્રચાર કરવા આવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે ચૂંટણીઓ આવી ગઈ છે. આ વખતે ચૂંટણી બે વિચારધારાઓ વચ્ચે છે. એક તરફ કૉંગ્રેસ અને ઈન્ડી અલાયન્સ છે જેઓ લોકશાહી અને બંધારણને બચાવવા માટે લડી રહ્યા છે અને બીજી તરફ નરેન્દ્ર મોદી, અદાણી, આરએસએસ છે જેઓ બંધારણ અને લોકશાહી પર હુમલો કરી રહ્યા છે અને તેઓ બંધારણને ખતમ કરવા માગે છે, એમ ગાંધીએ કહ્યું હતું.
આ પણ વાંચો: વાયનાડમાં રાહુલ ગાંધીના રોડ શોમાં મુસ્લિમ લીગના ઝંડા થયા ગાયબ, ડાબેરીઓ અને ભાજપે કર્યા કોંગ્રેસ પર પ્રહાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ફક્ત 22 બિઝનેસમેન પાસે દેશના 70 કરોડ લોકો જેટલી સંપત્તિ એકઠી થઈ ગઈ છે, એમ તેમણે કહ્યું હતું.
મોદી આ 22-25 બિઝનેસમેનને ચોવીસ કલાક ટેકો આપે છે. બેરોજગારી વધી રહી છે. કોઈપણ રાજ્યમાં જાઓ અને પૂછો કે તેમની સમસ્યા શું છે? બધા લોકો તમને કહેશે કે બેરોજગારી, મોંઘવારી અને ભાગીદારી (વિકાસમાં સહભાગીતા) સૌથી મહત્ત્વના છે, પરંતુ મીડિયા આ બધું દેખાડતી નથી. તેઓ મોદીને વિમાન ઉડાવતા દેખાડે, દરિયાની અંદર જતા દેખાડે, ક્યારેક મંદિરમાં પૂજા કરતા દેખાડે છે, એવી ટીકા તેમણે કરી હતી.
તેમણે એવો આક્ષેપ કર્યો હતો વડા પ્રધાન મોદી આદિવાસી શબ્દ ભૂંસી નાખવા માગે છે. અમે તમને આદિવાસી કહીએ છીએ, તેઓ તમને વનવાસી કહેવા માગે છે. આદિવાસી શબ્દના ગૂઢ અર્થ છે. આ શબ્દ તમારા જળ, જંગલ, જમીન પરના અધિકારોનો સૂચક છે. વનવાસી એટલે જે લોકો વનમાં રહે છે. આદિવાસી શબ્દ દ્વારા આદિવાસીઓના ધર્મ, ભાષા, જીવન પદ્ધતિ અને ઈતિહાસનું સન્માન થાય છે, જ્યારે જે લોકોને વનવાસી શબ્દ ગમે છે તેમને મતે તમારા કોઈ અધિકાર નથી. (પીટીઆઈ)