યુપીમાં યોગી સરકાર નશાના વેપારીઓ વિરુદ્ધ એકશનમાં, 128 પોલીસ ફરિયાદ નોંધાઈ…

લખનઉ : ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર યુવાનોને ડ્રગ્સના વ્યસનમાં ધકેલતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. સીએમ યોગીના આદેશ પર રાજ્યભરમાં એન્ટ્રી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના કોડીન યુક્ત કફ સિરપ વેચવાના રેકેટના પર્દાફાશ બાદ ડ્રગ્સ ડીલરો પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 128 પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
6 થી વધુ ગેરકાયદે ડ્રગ ડીલરોની ધરપકડ
જેમાં રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત દરોડા પાડી રહ્યું છે. તેમજ કોડીન યુક્ત કફ સિરપ અને નાર્કોટિક ડ્રગ્સના ગેરકાયદે સંગ્રહ, ખરીદી, વેચાણ અને વિતરણને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે ઝડપી કાર્યવાહી કરી રહ્યું છે. જ્યારે રાજ્યમાં લાખો રૂપિયાની ગેરકાયદે ડ્રગ્સ અને કોડીન ધરાવતી દવાઓ જપ્ત કરવામાં આવી છે. આ દરમિયાન 6 થી વધુ ગેરકાયદે ડ્રગ ડીલરોની ધરપકડ કરવામાં આવી છે.
લાખો રૂપિયાના ગેરકાયદે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા
રાજ્યમાં પાડવામાં આવેલા દરોડામાં લાખો રૂપિયાના ગેરકાયદે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં કાર્યવાહીના ભાગ રૂપે રાજ્યના 28 જિલ્લાઓમાં કોડીનના સંગઠિત દુરુપયોગ બદલ વિવિધ કંપનીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં વારાણસી, જૌનપુર,કાનપુર નગર, ગાઝીપુર અને લખીમપુર ખેરી અને લખનઉમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
કોડીન યુક્ત સીરપ અને નાર્કોટિક ડ્રગ્સના વેચાણ પર પ્રતિબંધ
ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ કમિશનર ડૉ. રોશન જેકબે જણાવ્યું હતું કે, તપાસમાં શંકાસ્પદ જણાયેલા રેકોર્ડની વધુ તપાસ થાય ત્યાં સુધી બે ડઝનથી વધુ મેડિકલ સ્ટોર્સ પર કોડીન યુક્ત સીરપ અને નાર્કોટિક ડ્રગ્સના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોડીન ધરાવતી અને સાયકોટ્રોપિક દવાઓની ગેરકાયદે સપ્લાયને રોકવા માટે રાજ્યમાં એક ખાસ ઝુંબેશ તરીકે શંકાસ્પદ મેડિકલ સ્ટોર્સનું ચેકિંગ ચાલુ છે.



