
નવી દિલ્હી: દેશમાં રેલવે ટ્રેક પર અવરોધો ઉભા કરી કોઇ મોટી દુર્ઘટના સર્જવાના દેશવિરોધી પ્રયત્નોની વણઝાર અટકી રહી નથી. ઉત્તર પ્રદેશમાં રવિવારના રોજ રાયબરેલી જિલ્લાના ખીરૂન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રઘુરાજ સિંહ રેલ્વે સ્ટેશન પાસે રેલ્વે ટ્રેક પર માટીનો ઢગલો જોઈને પેસેન્જર ટ્રેનના લોકો પાયલોટે ટ્રેન રોકી હતી. પોલીસે આ ઘટનાની પૃષ્ટી કરી છે. ખીરોન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દેવેન્દ્ર ભદોરિયાએ જણાવ્યું હતું કે ડમ્પરમાંથી કેટલીક માટી રેલવે ટ્રેક પર પડી હતી, જેને દૂર કરવામાં આવી હતી અને માટી હટાવ્યા બાદ ટ્રેનની અવરજવર શરૂ થઈ હતી. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
| Also Read: Save Ladakh: દિલ્હીમાં મંજૂરી નહીં મળતા લદ્દાખ ભવનમાં હડતાળ પર બેઠા સોનમ વાંગચુક
આ મામલે સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં રાત્રીના સમયે ડમ્પરમાંથી માટી લઇ જવાની કામગીરી કરવામાં આવે છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે રવિવારે મોડી સાંજે પણ એક ડ્રાઇવર ડમ્પરમાં માટી લઈ જઈ રહ્યો હતો. સાંજના 7.55 વાગ્યાના સુમારે અચાનક રેલવે ટ્રેક પર માટી નાખીને બાદમાં તે ડમ્પર લઈને ખીરોન તરફ જતો રહ્યો હતો.
| Also Read: Chennai માં વાયુસેનાના એર-શો બાદ ભારે અરાજકતા, ત્રણ લોકોના મોત, 250 થી વધુ હોસ્પિટલમાં દાખલ
થોડી જ વારમાં રાયબરેલી અને રઘુરાજ સિંહ સ્ટેશન વચ્ચે દોડતી શટલ ટ્રેન આવી, પરંતુ જ્યારે લોકો પાયલોટે રેલવે ટ્રેક પર કાદવ જોયો તો તેણે ટ્રેન રોકી દીધી. સ્ટેશન અમુક અંતરે હોવાને કારણે ટ્રેનની સ્પીડ પણ ઓછી હતી. લોકો પાયલોટની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી.
રેલવે ટ્રેક પરથી માટી હટાવ્યા બાદ ટ્રેનને ખૂબ જ ધીમી ગતિથી ત્યાંથી કાઢી લેવામાં આવી હતી. આ દરમિયાન ગામલોકોની મોટી ભીડ પણ સ્થળ પર એકઠી થઈ ગઈ હતી. ગેટમેન શિવેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે ટ્રેન રઘુરાજ સિંહ સ્ટેશનના આઉટર પર આવી ગઈ હતી, તેથી સ્પીડ ઓછી હતી. જો સ્પીડ વધુ હોત તો ટ્રેન પાટા પરથી ઉતરી શકી હોત. હાલ પોલીસ ટ્રક ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.