ઉત્તર પ્રદેશમાં ટ્રેનમાં Fire ની અફવાથી નાસભાગ મચી, 20 મુસાફરો ઘાયલ, સાત ગંભીર | મુંબઈ સમાચાર
નેશનલ

ઉત્તર પ્રદેશમાં ટ્રેનમાં Fire ની અફવાથી નાસભાગ મચી, 20 મુસાફરો ઘાયલ, સાત ગંભીર

શાહજહાંપુર : ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં રવિવારે સવારે એક મોટી ઘટના બની હતી. બરેલી અને કટરા સ્ટેશન વચ્ચે પંજાબ મેલ એક્સપ્રેસમાં આગ(Fire)લાગવાની અફવાને પગલે નાસભાગ મચી ગઈ હતી. જેના કારણે મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડતાં 20 મુસાફરો ઘાયલ થયા છે. જેમાં ગંભીર રીતે ઘાયલ સાત લોકોને શાહજહાંપુરની સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.

મુસાફરો નીચે કૂદવા લાગ્યા હતા

આ સમગ્ર ઘટના મુજબ રવિવારે સવારે લગભગ 8:00 વાગ્યે બરેલી અને મીરાનપુર કટરા સ્ટેશન વચ્ચે ટ્રેનના જનરલ કોચમાં આગ લાગવાની અફવા પર ડ્રાઈવરે ટ્રેન રોકી હતી. ટ્રેનની અડધી બોગી નદીના પુલ પર હતી અને અડધી બહાર હતી. ટ્રેન ઉભી થતાં જ મુસાફરો નીચે કૂદવા લાગ્યા હતા.

તપાસ દરમિયાન બધુ બરાબર જોવા મળ્યું

આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘણી બોગીઓ ખાલી થઈ ગયા પછી, ડ્રાઈવર અને ગાર્ડે તપાસ કરી અને બધું બરાબર જોવા મળ્યું. આ પછી ઘાયલોને ગાર્ડ બોગીમાં શાહજહાંપુર મોકલવામાં આવ્યા હતા. તેમને ત્યાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ઉત્તર પ્રદેશના CM Yogiનો સમાજવાદી પક્ષ પર મોટો પ્રહાર, કહી આ વાત

શાહજહાંપુર સ્ટેશન પર ટ્રેન રોકાઈ

ટ્રેનને શાહજહાંપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર પર રોકી દેવામાં આવી હતી. રેલવે અધિકારીઓ અને આરપીએફના જવાનો પહોંચી ગયા. પાંચ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સાત લોકોને સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ટ્રેન 30 મિનિટ સુધી રોકાઈ રહી હતી. તપાસમાં બધુ યોગ્ય જણાયા બાદ ટ્રેન રવાના કરવામાં આવી હતી.

તોફાની તત્વોએ કૃત્ય કર્યું હોવાની આશંકા

આ અંગે મુરાદાબાદ રેલ્વે ડિવિઝનના વરિષ્ઠ ડીસીએમ આદિત્ય ગુપ્તાએ જણાવ્યું કે, બિલપુર નજીક સવારે કેટલાક તોફાની તત્વોએ ટ્રેન નંબર 13006ના જનરલ જીએસ કોચમાં રાખવામાં આવેલા ફાયર ફાઇટિંગના ઉપકરણને ખોલી નાખ્યું હતું. જેના કારણે ટ્રેનને રોકી દેવામાં આવી. તેમજ ગભરાયેલા મુસાફરોએ કૂદવાનું શરૂ કર્યું હતું. આ તોફાની તત્વોની ઓળખ માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

Back to top button