રામનવમીની ભવ્ય ઉજવણીઃ યુપીના સંભલમાં પહેલી વાર કાઢી શોભાયાત્રા…
દેશભરમાં ધામધૂમથી રામનવમીની કરવામાં આવી ઉજવણી

નવી દિલ્હી/સંભલ/કોલકાતાઃ આજે રામનવમીની દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જેમાં મોટા ભાગના રામમંદિરોમાં વહેલી સવારથી ભક્તોની દર્શનાર્થે જોરદાર ભીડ જોવા મળી હતી. દેશમાં અયોધ્યા, સંભલ કોલકાતા સહિત અન્ય શહેરોમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જ્યારે અનેક રામમંદિરોને રોશનીથી સજાવવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશના જિલ્લા સંભલમાં 24 નવેમ્બરના રમખાણો પછી હાલત તદ્દન બદલાઈ ગયા છે અને એનું અનુમાન આજે કાઢવામાં આવેલી શોભાયાત્રા પરથી લગાવી શકાય છે.
પરંપરા, સંસ્કૃતિ અને આસ્થાનો અદભૂત સંગમ જોવા મળ્યો
અહીંયા રામનવમીના દિવસે પહેલી વખત શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં યુવતીઓએ હાથમાં તલવાર લઈને કરતબ બતાવ્યા હતા. યુવાનોની સાથે સાથે મોટી સંખ્યામાં યુવતીઓએ પણ ભાગ લીધો હતો. દરેક વર્ગના લોકોએ ભાગ લઈને પહેલી વખત અહીં શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે શહેરનું આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેમાં પરંપરા, સંસ્કૃતિ અને આસ્થાના અદભૂત સંગમ જોવા મળ્યો હતો.
સમગ્ર શહેરમાં પોલીસ સાથે રેપિડ એક્શન ફોર્સ તહેનાત
અહીંની શોભાયાત્રામાં ભગવાન રામ, હનુમાનજી અને અન્ય દેવી દેવતાઓની સુંદર ઝાંખીઓ પણ સામેલ હતી, જ્યારે રસ્તામાં ભક્તિ સંગીત, જયઘોષ અને ભક્તોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. પહેલી વખત શોભાયાત્રા કાઢવાની હોવાથી શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. શોભાયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત યોજવા માટે દરેક સ્થળે રેપિડ એક્શન ફોર્સ અને સ્થાનિક પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હતા. આજે સંભલમાં શોભાયાત્રાની સાથે જામા મસ્જિદ સામે રામનવમી સામે સત્યવ્રત પોલીસ ચોકીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. પોલીસ ચોકી સહિત એડિશનલ ફોર્સ પણ તહેનાત રહેશે.
બંગાળમાં પણ હિન્દુ સંગઠનોએ પણ શોભાયાત્રાઓ કાઢી

રામ નવમી નિમિત્તે પશ્ચિમ બંગાલના વિવિધ ભાગોમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભા યાત્રામાં હિંદુ સંગઠનો અને ભાજપના નેતાઓ, કાર્યકરોએ પણ ભાગ લીધો હતો. ભાજપે આખા રાજ્યમાં રામ નવમી નિમિત્તે શોભાયાત્રા કાઢવાની સાથે સરઘસો કાઢ્યા હતા, જેમાં રામ ભક્તો ઢોલના તાલે નાચતા રહ્યા. તેઓ જય શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા.
નાગપુરમાં મુસ્લિમ સમુદાયના લોકોએ કરી ફૂલવર્ષા

મહારાષ્ટ્રના નાગપુરમાં રામ નવમી પર કાઢવામાં આવેલી શોભાયાત્રા પર મુસ્લિમ સમુદાયના લોકોએ ફૂલોની વર્ષા કરી. મુસ્લિમ સેવા સમિતિ સાથે સંકળાયેલા એક સભ્યએ કહ્યું હતું કે નાગપુર શહેર ભાઈચારાનું પ્રતીક છે અને તેનો સંદેશ લોકોએ આપ્યો હતો. જેમ આપણા હિન્દુ ભાઈઓ ઈદ પર આપણું સ્વાગત કરે છે, તેવી જ રીતે આપણે આપણા હિન્દુ ભાઈઓ પર ફૂલોનો વરસાદ કરીને એકતાનો સંદેશ આપ્યો હતો.
આપણ વાંચો : બંગાળનાં નંદીગ્રામમાં ભવ્ય રામ મંદિરનો શુભેન્દુ અધિકારીએ કર્યો શિલાન્યાસ…