યુપીમાં 18 વર્ષ પહેલાં જેનું એન્કાઉન્ટર થયેલું તેને પોલીસે સમન્સ મોકલી દીધું | મુંબઈ સમાચાર
નેશનલ

યુપીમાં 18 વર્ષ પહેલાં જેનું એન્કાઉન્ટર થયેલું તેને પોલીસે સમન્સ મોકલી દીધું

સોનભદ્રઃ ઉત્તર પ્રદેશમાં પોલીસની બેદરકારીનો એક મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીંની સોનભદ્ર પોલીસે જમીન વિવાદમાં એક વ્યક્તિને નોટિસ મોકલી હતી. કોર્ટમાં તે વ્યક્તિની પત્ની હાજર થઈ. પત્નીએ જે કહ્યું તેનાથી સોનભદ્ર પોલીસ માટે ઉપાધિ થઈ પડી હતી. તેની પત્નીનાં જણાવ્યા અનુસાર 18 વર્ષ પહેલા જ તેનાં પતિનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું. ત્યારબાદ પોલીસને પોતાની ભૂલ સમજાઈ અને કોર્ટે પણ પોલીસને ખખડાવી નાખી.

સોનભદ્ર પોલીસે જે સુનીલ કોલના સામે નોટિસ બહાર પાડી હતી તે 18 વર્ષ પહેલા 2007માં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. તેને આપેલી નોટિસનો જવાબ આપવા તેની પત્ની સુશીલા કોર્ટમાં હાજર થઈ હતી.

પોલીસને પોતાની ભૂલ સમજાતા સંબંધિત અધિકારી સામે કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે, અને મૃતકની જગ્યાએ જેમના પર આક્ષેપ છે તેમનું નામ લખવા જણાવ્યું છે.

મૃતકની પત્નીએ જણાવ્યું હતું કે 2007માં તેમનાં પતિ નક્સલી છે તેમ કહી પોલીસે તેનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું. ત્યારબાદ ફેબ્રુઆરી 2025માં આ નોટિસ મોકલી જમીન વિવાદમાં તેમનું નામ હોવાનું કહી પોલીસે જમાનતની વ્યવસ્થા કરવા પણ દબાણ શરૂ કર્યું હતું. જોકે પત્નીએ હિંમત દાખવી કોર્ટમાં હાજર રહી પોલીસને બેનકાબ કરી છે. આવી રીતે કોઈનું પણ નામ લખી દેતી પોલીસ નિર્દોષોને મુસિબતમાં મૂકી દેતી હોય છે.

આપણ વાંચો:  RBIના ચેક બાઉન્સના નવા નિયમો: હવે જાણી જોઈને ચેક બાઉન્સ કરશો તો ખેર નથી!

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button