
લખનઉ: તાજેતરમાં જ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પંચ પર કરવામાં આવેલા ગંભીર આરોપો ચર્ચામાં છે. ઉત્તર પ્રદેશમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા કરાવવામાં આવેલી તપાસમાં રાજ્યભરમાંથી નકલી મતદારોના નામ સામે આવ્યા હતા.
ત્યારે હવે યુપી પંચાયત ચૂંટણી માટે ચલાવવામાં આવી રહેલા મતદાર પુનરીક્ષણ અભિયાનમાં પણ આ જ પ્રકારની ખામીઓ જોવા મળી રહી છે. આ દરમિયાન એક જ ઘરના સરનામા પર 4271 મતદારો હોવાનું સામે આવ્યું હતું.
મળતી વિગતો અનુસાર ઉત્તર પ્રદેશ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાર યાદી સુધારણા અભિયાન ચાલી રહ્યું છે.
આ દરમિયાન મહોબાના જયપુર ગામમાં મકાન નંબર 803 પર 4271 મતદારોના નામ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. આ માહિતી મળતા મકાનમાલિક પણ ચોંકી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ ગ્રામ પંચાયતમાં કુલ 16069 મતદારો છે.
અધિકારીઓ આને કારકુની ભૂલ ગણાવીને જવાબદારીમાંથી પોતાને છેટું કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેનું નિરાકરણ લાવવાની વાત કરી રહ્યા છે.
પંચાયત અને નગરપાલિકાના સહાયક જિલ્લા ચૂંટણી અધિકારી આર.પી. વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોમાં મકાન નંબર વ્યવસ્થિત ન હોવાને કારણે આ સમસ્યા સર્જાઈ છે.
અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, પંચાયત ચૂંટણી માટે મતદાર યાદી સુધારણા અભિયાન ચાલી રહ્યું છે. 2021ની યાદીની તપાસ કરવામાં આવી રહી છે.
એક જ મકાન નંબરમાં ઘણા લોકોના નામ નોંધાયેલા હોવા એ કારકુની ભૂલ છે. આ ભૂલ અગાઉ નિમણૂક કરાયેલા બીએલઓની છે. તેને સુધારવાનું કામ ચાલી રહ્યું છે. યાદીમાં નોંધાયેલા નામ સાચા છે, પરંતુ મકાન નંબરોમાં ગરબડ થઈ છે.
આ પણ વાંચો…પંચાયત ચૂંટણીમાં ‘સંબંધો’નો જંગ: વેવાણે વેવાણને તો પુત્રને પિતાએ હરાવ્યા, જાણો પરિણામના રોચક કિસ્સા