સુપ્રીમ કોર્ટે યુપી સરકાર પાસેથી માંગ્યો જવાબ, હલાલ પ્રમાણિત પ્રોડક્ટ પર પ્રતિબંધ શા માટે?
નવી દિલ્હી: ચેન્નાઈ સ્થિત હલાલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને જમિયત ઉલમા-એ-મહારાષ્ટ્ર દ્વારા બંધારણની કલમ 32 હેઠળ દાખલ કરવામાં આવેલી રિટ અરજીઓની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં હલાલ પ્રમાણિત ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવા અને હલાલ પ્રમાણપત્રો આપતી સંસ્થાઓ સામે એફઆઈઆર નોંધવા સામે દાખલ કરવામાં આવેલી અરજી પર યુપી સરકારને નોટિસ જારી કરી છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેંચ બે સપ્તાહમાં જવાબ માંગ્યો છે.
જ્યારે જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેંચ સમક્ષ અરજીઓ સુનાવણી માટે આવી ત્યારે કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર, કેન્દ્ર અને અન્યને નોટિસ જારી કરી અને અરજીઓ પર તેમનો જવાબ માંગ્યો. શરૂઆતમાં બેન્ચે અરજદારોનું પ્રતિનિધિત્વ કરતા વકીલોને પ્રશ્ન કર્યો હતો કે શા માટે સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 32 હેઠળની અરજીઓ પર વિચાર કરવો જોઈએ અને કેમ કોઈ પણ પ્રશ્ર્નમાં પહેલા હાઈ કોર્ટનો સંપર્ક કરતા નથી.
આ અરજીમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ‘મેન્યુફેક્ચરિંગ, સેલિંગ, સ્ટોરેજ’ પર લાદવામાં આવેલા પ્રતિબંધને પડકારવામાં આવ્યો હતો. અરજદારોએ દલીલ કરી હતી કે આ પ્રતિબંધ નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
હલાલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે યુપી સરકાર અને FSSAIના આ પ્રતિબંધના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો અને અરજીમાં દલીલ કરી હતી કે આ નિર્ણયની અસર સમગ્ર દેશ પર પડશે, તેથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવી જોઈએ. અરજદારોએ હલાલ પ્રમાણપત્રો આપતી સંસ્થાઓ સામે એફઆઈઆર દાખલ કરવાનો પણ વિરોધ કર્યો છે.
નોંધનીય છે કે ગયા વર્ષે 18 નવેમ્બર 2023ના રોજ બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનમાં યુપીની ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FSDA) કાર્યાલયે હલાલ સર્ટિફિકેટ વાળા અન્ય ઉત્પાદનો સહિત ખાદ્ય વસ્તુઓ, દવાઓ અને સૌંદર્ય પ્રસાધનોના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકતા કહ્યું હતું કે આ તમામ ખાદ્ય પદેર્થોના કારણે આરોગ્ય સંબંધિત પ્રશ્ર્નો ઊભા થયા છે. અને કહેવામાં આવ્યું હતું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કોઈપણ ખાનગી સંસ્થા આવા પ્રમાણપત્રો આપી શકે નહીં. આ કામ માત્ર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે FSSAI દ્વારા જ થઈ શકે છે.
આ જ કેસમાં લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં હલાલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, જમિયત ઉલેમા હિંદ હલાલ ટ્રસ્ટ, હલાલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા અને જમિયત ઉલેમા મહારાષ્ટ્ર વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેઓ નાણાકીય લાભ માટે નકલી હલાલ પ્રમાણપત્રો જારી કરી રહ્યા હતા. અરજીઓ પર નોટિસ જારી કરીને બેન્ચે બે અઠવાડિયા પછી સુનાવણીની તારીખ નક્કી કરી છે.