નેશનલ

યુપીના રાજયપાલ Anandiben Patel વૃક્ષારોપણ દરમ્યાન અધિકારીઓ પર નારાજ થયા, ઠપકો આપ્યો

સીતાપુર: ઉત્તર પ્રદેશ સરકારે 19 જુલાઈના રોજ એક વિશાળ વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કર્યું હતું. જે અંતર્ગત રાજ્યમાં 36.51 કરોડ રોપાઓ વાવવામાં આવ્યા હતા. આ માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં વન વિભાગની મદદથી વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ(Anandiben Patel) વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લેવા માટે સીતાપુર પહોંચ્યા હતા. પરંતુ અહીં પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે તેવો અધિકારીઓ પર ગુસ્સે થઈ ગયા હતા.

રાજ્યપાલ આનંદીબેન પટેલે અધિકારીઓને જાહેરમાં ઠપકો આપ્યો હતો. વૃક્ષારોપણ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ અને અન્ય સહભાગીઓને સંબોધતા તેમણે કહ્યું, ‘વૃક્ષો કેવી રીતે વાવવામાં આવે છે તેની કાળજી લેવી જોઈએ. જેઓ યોગ્ય રીતે કામ નથી કરતા તેમને ઠપકો આપવાનો મારો સ્વભાવ છે. આ આપણી જવાબદારી છે. ખોદવામાં આવેલા ખાડા મોટા છોડને ટેકો આપી શકે તેટલા ઊંડા ન હતા. મોટા છોડ માટે નાના ખાડા ખોદવામાં આવ્યા હતા. આ કોણ જોશે, તે તમારી જવાબદારી હતી.

કાર્યક્રમ યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી તમારી

રાજ્યપાલે અધિકારીઓને કહ્યું કે તેમણે યોગ્ય રીતે વૃક્ષો કેવી રીતે વાવવા તે અંગે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. તેમણે વહીવટી અને વન વિભાગના અધિકારીઓની ટીકા કરતા કહ્યું કે કાર્યક્રમ યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી તમારી છે. તેમણે કહ્યું, ‘હું તમને બધાને માફ નહીં કરું… આ આવતીકાલે પ્રેસમાં આવશે પણ આ કહેવું જરૂરી છે.’ કોઈનું નામ લીધા વિના તેમણે કહ્યું કે સંબંધિત મંત્રીઓએ પણ તપાસ કરવી જોઈતી હતી કે વૃક્ષારોપણ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.

સીતાપુરથી આવી રહેલા બંને મંત્રીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા

યુપીના શહેરી વિકાસ રાજ્ય મંત્રી રાકેશ રાઠોડ અને જેલ રાજ્ય મંત્રી સુરેશ રાહી સીતાપુરથી આવ્યા છે. આ બંને રાજ્યપાલના કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા. રાજ્યપાલે કહ્યું, ‘ખૈરાબાદમાં આર્મી લેન્ડ પર વૃક્ષારોપણ અભિયાન માટે ઘણી સંસ્થાઓના સભ્યો હાજર છે. આ તકનો અસરકારક રીતે ઉપયોગ કરવો મહત્વપૂર્ણ હતો. તેમણે વૃક્ષારોપણ કાર્યક્રમમાં આવેલા સહભાગીઓ અને શિક્ષકોની પણ ટીકા કરી અને કહ્યું કે તેઓને તેમની જવાબદારી સમજવા કરતાં સેલ્ફી લેવામાં વધુ રસ છે.

જો મને ખબર હોત તો હું અહીં ક્યારેય ન આવી હોત: રાજ્યપાલ

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું, ‘શું હું અહીં ફોટો પડાવવા માટે આવી છું? દોઢ કલાકની મુસાફરી પછી હું સીતાપુર આવી છું મને ખબર હોત તો હું અહીં ક્યારેય ન આવી હોત. આ કાર્યક્રમમાં અધિકારીઓ અને આગેવાનોએ ભારે બેદરકારી દાખવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં કુકરેલ નદીના કિનારે અતિક્રમણથી ખાલી કરાયેલા અકબરનગરમાં વૃક્ષારોપણ કર્યું હતું. રાજ્યમાં એક જ દિવસમાં વૃક્ષારોપણનો રેકોર્ડ બન્યો હતો. કુલ 35 કરોડ રોપા વાવવાનો લક્ષ્યાંક હતો અને 36.45 લાખ વધુ રોપાઓ વાવવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button