Lok Sabha Election 2024: સરકારી નોકરી કરતા પતિ-પત્ની માટે ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય…
એકને ચૂંટણી ફરજમાંથી મુક્તિ મળી શકશે
લખનઉ: ભારતીય ચૂંટણી પંચ(ECI) સહીત દરેક રાજ્યના ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election)માટેની તૈયારીઓમાં વ્યસ્ત છે, ચૂંટણી દરમિયાન વિવિધ રેન્કના સરકારી કર્મચારીઓ અલગ અલગ ફરજો સોંપવામાં આવી છે. એવામાં ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી પંચ કાર્યાલયે પ્રશંસનીય સૂચનાઓ જાહેર કરી છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી પંચ કાર્યાલયે જાહેર કરેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય તો બંનેએ ચૂંટણીમાં ફરજ બજાવવી જરૂરી નથી, બંનેમાંથી એક જ લોકસભાની ચૂંટણીમાં ફરજ પર રહેશે. આ માટે જિલ્લા ચૂંટણી અધિકારીને અરજી આપવાની રહેશે અને તેના આધારે જિલ્લા ચૂંટણી અધિકારી દંપતીમાંથી એકને ફરજમાંથી મુક્ત કરવાનો નિર્ણય લેશે.
ઉત્તર પ્રદેશના ચૂંટણી પંચના કાર્યાલયના જણાવ્યા અનુસાર, જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો તેમને ઘણી પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેને ધ્યાનમાં રાખીને, બેમાંથી એકને અરજીના આધારે ચૂંટણી ફરજમાંથી મુક્તિ મળી શકે છે, જેના માટે જિલ્લા ચૂંટણી અધિકારી/મદદનીશ જિલ્લા ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે.
ઉત્તર પ્રદેશ ચૂંટણી પંચે આ સૂચનાઓની નકલ યુનાઈટેડ ટીચર્સ એસોસિએશન, મિનિસ્ટરિયલ કલેક્ટરેટ એમ્પ્લોઈઝ એસોસિએશન અને યુનાઈટેડ ટીચર્સ એસોસિએશનને મોકલી છે.
આ વખતે લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાશે અને મતગણતરી 4 જૂન, 2024ના રોજ થશે. આ ભારતમાં સૌથી લાંબી ચાલનારી લોકસભા ચૂંટણી હશે, જે 44 દિવસ સુધી ચાલશે. ઉત્તર પ્રદેશની 80 સીટો માટે 7 તબક્કામાં મતદાન થશે.