યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલની મુલાકાત : કઈ બાબતો પર થઈ ચર્ચા ?
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે રાજભવન ખાતે રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી હતી. જો કે, તે શુંભેચ્છા મુલાકાત તરીકે બતાવવામાં આવી રહી છે. આગામી વિધાનસભા સત્રને લઈને મુખ્યમંત્રી યોગીએ રાજ્યપાલ સાથે ચર્ચા કરી હોવાની અટકળો છે. આ ઉપરાંત પ્રદેશના રાજનીતિક અને વિકાસના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હોવાનું મનાઈ રહ્યું છે. હાલ તો આદિત્યનાથની રાજ્યપાલ સાથેની મુલાકાતને આ જ દ્રષ્ટિએ જોવામાં આવી રહી છે.
જો કે આજે બુધવારે મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર સીએમ યોગીએ મંત્રીઓ સાથે રાજ્યની 10 વિધાનસભા બેઠકો પર થનારી પેટાચૂંટણીને લઈને ચર્ચા કરી અને તેમને જવાબદારીઓ સોંપી હતી. મંત્રીઓને બેઠકવાર જવાબદારી સોંપવામાં આવી છે. તમામ મંત્રીઓએ તેમને સોંપવામાં આવેલ ક્ષેત્રમાં અઠવાડિયામાં બે દિવસ રાત્રિ રોકાણ કરવું પડશે. કેબિનેટ મંત્રી સ્વતંત્ર દેવ સિંહે જણાવ્યું હતું કે બેઠકમાં વિકાસ કાર્યો, પૂરની સ્થિતિ વગેરે પર ચર્ચા કરવામાં આવી હતી. તમામ 10 બેઠકો જીતવાની છે અને આથી વિધાનસભા પેટાચૂંટણીની પણ ચર્ચા થઈ હતી. બેઠકમાં મુખ્યમંત્રી યોગીએ તમામ મંત્રીઓને ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી પોતાના પ્રભારી ક્ષેત્રોમાં બે દિવસ અને રાત્રિ રોકાણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
મુખ્યમંત્રી દ્વારા તમામ પ્રભારી મંત્રીઓને સૂચના પણ આપવામાં આવી છે કે દરેક જૂથે કાર્યકરો સાથે વાત કરવી અને સૌથી વધુ ધ્યાન બુથને મજબૂત બનાવવા પર આપવું. ત્રણ મંત્રીઓ ઉપરાંત દરેક સીટ પર સંગઠનના એક અધિકારીને તૈનાત કરવામાં આવ્યા છે. બેઠક બાદ કેબિનેટ મંત્રી સ્વતંત્ર દેવ સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે, ‘બેઠકમાં પૂર, વિકાસ કામો અને આગામી ચૂંટણી પર ચર્ચા થઈ હતી.’ છેલ્લા પખવાડિયામાં રાજ્યના 17 જિલ્લાના 700થી વધુ ગામો પૂરથી પ્રભાવિત થયા છે.
નોંધનીય છે કે લોકસભા ચૂંટણીમાં નવ ધારાસભ્યો સાંસદ બન્યા બાદ ખાલી પડેલી કટેહરી, મિલ્કીપુર, કરહલ, ફુલપુર, મજવાન, ગાઝિયાબાદ, મીરાપુર, કુંદરકી, ખેર અને સિસમાઉ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. તેમાંથી સપા પાસે કરહાલ, કુંદરકી, કટેહારી, મિલ્કીપુર અને સિસમાઉ બેઠકો છે. જ્યારે ફુલપુર, ખેર અને ગાઝિયાબાદ બેઠકો ભાજપ પાસે હતી. ભાજપના સહયોગી આરએલડીએ મીરાપુર સીટ અને નિષાદ પાર્ટીએ મઝવાન સીટ પર જીત મેળવી હતી.
Also Read –