લોકસભા ચૂંટણીમાં ભાજપને ઉત્તર પ્રદેશમાં ફટકો કેમ પડ્યો, ભાજપની ટાસ્ક ફોર્સે રીપોર્ટ તૈયાર કર્યો
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024(Loksabha Election 2024)માં ઉત્તર પ્રદેશ(Uttarpradesh)માંથી ચોંકાવનારા પરિણામો આવ્યા હતા, ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકમાંથી ભાજપ માત્ર 33 બેઠકો જ જીતી શકી. યુપી ભાજપની 40 સભ્યોની ટાસ્ક ફોર્સે(Taskforce) લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશમાં ભાજપની હારના કારણોનો રીપોર્ટ રજુ કર્યો છે. જેમાં પક્ષની આંતરિક લડાઈથી લઈને જ્ઞાતિના સમીકરણો અને સરકારી કર્મચારીઓના અસહકારને મુખ્ય કારણો દર્શાવવામાં આવ્યા છે.
આ રીપોર્ટ પછી, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યના 12 જિલ્લા મેજિસ્ટ્રેટની તાત્કાલિક અસરથી બદલી કરી દીધી છે. મોટાભાગના જિલ્લા મેજિસ્ટ્રેટ એવા જિલ્લાના છે જ્યાં ભાજપ 2024ની ચૂંટણીમાં હારી ગયું હતું.
આ સિવાય બીજેપીના ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉત્તર પ્રદેશમાં બીજેપીના ખરાબ પ્રદર્શનના મુખ્ય કારણ ‘અયોગ્ય’ ટિકિટ વિતરણ, ‘બંધારણ માટે ખતરા’ અંગે કોંગ્રેસ નો પ્રચાર અને BSP વોટ બેઝનું સમાજવાદી પાર્ટી (SP) તરફ સ્થળાંતર રહ્યા છે.
એક મીડિયા અહેવાલ મુજબ ભાજપના તસ્ક ફોર્સના સભ્યએ કહ્યું કે “હમેં તો અપનો ને લુટા, ગેરો મેં કહાં દમ થા, હમારી કશ્તી ભી વહાં ડુબી જહાં પાની કમ થા…” તેમણે કહ્યું કે “ભાજપનું પતન સ્ક્રિપ્ટેડ હતું.”
પાર્ટીના ટાસ્ક ફોર્સે જણાવ્યું કે વિપક્ષના ‘બંધારણ માટે ખતરા’ ના પ્રચારથી ભાજપને નુકસાન થયું છે. ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કહી રહ્યા છે કે નવી સરકારને ‘નવું બંધારણ’ બનાવવા માટે સંસદમાં બે તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે. ત્યાર બાદ વિપક્ષે ‘બંધારણ માટે ખતરા’નો પ્રચાર શરુ કર્યો હતો.
ભાજપે આદિત્યનાથના ગઢ એવા ગોરખપુરની આસપાસની તમામ લોકસભા બેઠકો જીતી લીધી હતી પરંતુ વડા પ્રધાનના મતવિસ્તાર વારાણસીની આસપાસની સંસદીય બેઠકો પર ભાજપ હારી ગઈ હતી. વારાણસી અને લખનઉ જ બે મતવિસ્તાર હતા જ્યાં ટાસ્ક ફોર્સે મુલાકાત લીધી ન હતી.