UP ATS એ ISI માટે કામ કરવાના આરોપમાં વિદેશ મંત્રાલયના એક કર્મચારીની ધરપકડ કરી

ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરીઝમ સ્કવોડ(ATS)એ વિદેશ મંત્રાલયમાં ફરજ બજાવતા એક એક કર્મચારીની ધરપકડ કરી છે. અહેવાલો મુજબ સત્યેન્દ્ર સિવાલ નામના આ સ્ટાફ પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે કામ કરવાનો આરોપ છે. સત્યેન્દ્ર મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં તૈનાત છે, તે મૂળ હાપુરનો છે. સત્યેન્દ્રને 2021 થી ઇન્ડિયા બેસ્ટ સિક્યોરીટી આસીસ્ટન્ટ IBSA તરીકે પોસ્ટ કરવામાં આવ્યો હતો.
કર્મચારી પર ભારતીય દૂતાવાસ, સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ભારતીય સૈન્ય સંસ્થાનની મહત્વપૂર્ણ ગુપ્ત માહિતી પાકિસ્તાનની જાસુસી સંસ્થાને મોકલવાનો આરોપ છે. ATS મેરઠ યુનિટ દ્વારા પૂછપરછ દરમિયાન, સત્યેન્દ્રએ જાસૂસીની કબૂલાત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર UP ATSએ મેરઠમાંથી તેની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ સત્યેન્દ્ર હાપુરનો રહેવાસી છે. એટીએસની ટીમે તેની પાસેથી બે મોબાઈલ ફોન, આધાર કાર્ડ, પાનકાર્ડ અને અન્ય કેટલીક વસ્તુઓ જપ્ત કરી છે. યુપી એટીએસ હજુ તેની વધુ પૂછપરછ કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, UP ATSને ઘણી જગ્યાએથી માહિતી મળી રહી હતી કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના હેન્ડલર્સ વિદેશ મંત્રાલયમાં તૈનાત કેટલાક કર્મચારીઓને ફસાવીને પૈસાની લાલચ આપી રહ્યા છે. આ માહિતી બાદ યુપી એટીએસની ટીમ સક્રિય થઈ અને સતેન્દ્ર સિવાલ પર નજર રાખવાનું શરૂ કર્યું. જ્યારે તેની જાસૂસી અંગે નક્કર પુરાવા મળ્યા ત્યારે તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો.
UP ATSએ અગાઉ પશ્ચિમ યુપીમાંથી ઘણા લોકોની ધરપકડ કરી હતી, જે કથિત રીતે ISI અથવા પાકિસ્તાન માટે જાસૂસી કરતા હતા. ગયા વર્ષે જ UP ATSએ હાપુર અને ગાઝિયાબાદમાંથી બે લોકોની પાકિસ્તાન માટે જાસૂસીની શંકામાં ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો પણ કબૂલી લીધો હતો.