અયોધ્યામાં ત્રણ શંકાસ્પદ લોકોની યુપી-એટીએસે કરી ધરપકડ
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારીઓ અને સુરક્ષા ચરમ સીમાએ છે. તમામ સુરક્ષા એજન્સીઓ દરેક ગતિવિધિઓ પર બાજ નજર રાખી રહ્યા છે. તેવામાં UP ATS એ અયોધ્યામાંથી ખાલિસ્તાની આતંકવાદી સંગઠનો સાથે સંબંધ ધરાતા ત્રણ બદમાશોની ધરપકડ કરી છે.
આ ત્રણેય રાજસ્થાનના રહેવાસી હોવાનું કહેવાય છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ શંકર લાલ, અજીત કુમાર, પ્રદીપ પુનિયા છે. ત્રણેય પોતાની કારમાં શ્રી રામના ધ્વજ સાથે અયોધ્યાની મુલાકાત કરી રહ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપી શંકરલાલે પૂછપરછ દરમિયાન આ ખુલાસો કર્યો છે.
શંકર લાલ કેનેડામાં હાજર ખાલિસ્તાની સમર્થક હરમિંદર ઉર્ફે લાંડાના સંપર્કમાં હતો. હરમિન્દરે શંકરને કહ્યું હતું કે ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંતે અયોધ્યાની રેકી કરવાનું કહ્યું હતું. આ ઉપરાંત અયોધ્યાનો નકશો મોકલવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. કેનેડામાં હાજર હરમિન્દર ઉર્ફે લાંડાના કહેવા પર ત્રણેય અયોધ્યા પહોંચ્યા હતા.
જાણવા મળતી માહિતી મુજબ, શંકર લાલ રાજસ્થાનનો કુખ્યાત ગેંગસ્ટર છે અને ઘણી વાર તેમનું નામ પોલીસ ચોપડે ચડી ચૂક્યું છે. તે કેનેડામાં બેઠેલા ઘણા ગેંગસ્ટરોના સંપર્કમાં હતો જેઓ ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે સંકળાયેલા છે.
પોલીસ અને સુરક્ષા એજન્સીઓથી બચવા માટે આરોપીઓ તેમની સ્કોર્પિયોમાં શ્રી રામનો ધ્વજ લગાવીને અયોધ્યાની રેકી કરી રહ્યા હતા. અયોધ્યામાંથી આરોપીઓ ઝડપાયાના થોડા સમય બાદ જ શીખ ફોર જસ્ટિસના મુખ્ય આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એક ઓડિયો જાહેર કરીને આરોપીઓને સમર્થન આપ્યું હતું. હવે UP ATSએ પણ શીખ ફોર જસ્ટિસ સાથેના કનેક્શનની તપાસ શરૂ કરી છે.
પોલીસે જણાવ્યું કે આ તમામ ઘટનાક્રમ પછી દિશા મળતાં કોઈ મોટી વારદાતને અંજામ આપવાનો હતો. એટીએસ તે ઓડિયોની તપાસ કરી રહી છે. ત્રણેય પાસેથી હરિયાણા નંબરની સ્કોર્પિયો HR 51 BX 3753 મળી આવી હતી.