નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન શાંતનુ ઠાકુરે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને મોટો કર્યો હતો કે એક અઠવાડિયામાં સંપૂર્ણ દેશમાં CAA લાગુ કરવામાં આવશે. તેમણે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે હું મંચ પરથી ખાતરી આપું છું કે આગામી 7 દિવસમાં આ કાયદો માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લાગુ થઈ જશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોતાના ભાષણમાં પણ એ બાબતનો ઉલ્લેખ કર્યો કે નાગરિકતા સંશોધન કાયદો એ ‘દેશનો કાયદો’ છે. અને કહ્યું હતું કે આ કાયદાને અમલમાં મૂકતા કોઈ જ નહિ કોરી શકે. તેમજ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી પર પણ CAAને લઈને લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ લાગાવ્યો હતો.
ગૃહ પ્રધાનના આ નિવેદન બાદ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આરોપ લગાવ્યો હતો કે તેઓ લોકોને વિભાજિત કરવા માંગે છે. આ કાયદા હેઠળ 31 ડિસેમ્બર 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા અને હેરાન થયેલા હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. આ કાયદો ડિસેમ્બર 2019માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ કાયદાને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિએ મંજૂરી આપ્યા બાદ દેશના અલગ-અલગ રાજ્યોમાં આ કાયદાનો વિરોધ શરૂ થઈ ગયો હતો. આ મુદ્દાને લઈને દિલ્હીમાં પણ ઘણા મહિનાઓ સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યા હતા. TMCની મમતા બેનરજીની આગેવાની હેઠળની પશ્ચિમ બંગાળ સરકારે 2020માં CAA વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો હતો. આવો પ્રસ્તાવ લાવનાર પશ્ચિમ બંગાળ ચોથું રાજ્ય બન્યું હતું. તે સમયે મમતા બેનરજીએ જાહેરાત કરી હતી કે અમે બંગાળમાં CAA, NPR અને NRC લાગુ થવા દઈશું નહીં. જો કે કેટલાક લોકોનું કહેવું છે કે આ બિલ મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે અને બંધારણના ધર્મનિરપેક્ષ સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે