‘મારી અને મારી પાર્ટી સાથે અન્યાય થયો’, કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે આપ્યું રાજીનામું
નવી દિલ્હીઃ એનડીએની બેઠકોની વહેંચણીમાં પોતાના ફાળે એકપણ બેઠક નહીં આવતા આરએલજેપી ચીફ પશુપતિ પારસે કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. પશુપતિ પારસેએક પ્રેસ કોન્ફરન્સમાં પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે, ‘મારી સાથે અને મારી પાર્ટી સાથે અન્યાય થયો છે. અમને એક પણ સીટ આપવામાં આવી નથી. રાજીનામું આપતા પહેલા પશુપતિ પારસ મોદી સરકારમાં ફૂડ એન્ડ પ્રોસેસિંગ મંત્રાલયનો હવાલો સંભાળતા હતા.
વાત એમ બની છે કે લોકસભાની ચૂંટણી માટે બિહારમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં સીટ વહેંચણીની જાહેરાત કરવામાં આવી છે. જેડીયુ સાથે આવવાથી ભાજપ ફરી એકવાર મોટા ભાઈની ભૂમિકામાં આવી ગયું છે. બીજેપી બિહારમાં 17 સીટો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે જેડીયુના ખાતામાં 16 બેઠકો આવી છે.
અન્ય સહયોગીઓની વાત કરીએ તો, ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ને 5 બેઠકો, જીતન રામ માંઝીની પાર્ટી HAMને 1 બેઠક અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાષ્ટ્રીય લોક જનતા દળને એક બેઠક મળી છે. પરંતુ આમાં પશુપતિ પારસની આરએલજેપીને એક પણ સીટ મળી નથી.
પશુપતિ પારસ દિવંગત નેતા રામવિલાસ પાસવાનના ભાઇ છે અને ચિરાગ પાસવાનના કાકા છે. ભાજપ તરફથી ભત્રીજા ચિરાગને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે એ વાતથી પશુપતિ પારસ અજાણ નહોતા. તેથી જ તેઓ અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા. થોડા દિવસ પહેલા જ તેમને ખાતરી થઇ ગઇ હતી કે તેમની પાર્ટીને ભાગે એનડીએમાં એકપણ સીટ નહીં આવે. પશુપતિ પારસે પાર્ટીના સંસદીય બોર્ડની બેઠક બોલાવી હતી અને જણાવ્યું હતું કે, ‘અમે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને અમારા પાંચ સાંસદો પર વિચાર કરવા વિનંતી કરીએ છીએ. અમે યાદીની રાહ જોઈશું.
પશુપતિ પારસે એનડીએ ગઠબંધનમાં બેઠકો મેળવવા માટે ઘણા ધમપછાડા કર્યા હતા. તેમણે સામ, દામ દંડ, ભેદનો આશરો પણ લીધો, ધમકી પણ આપી અને કહ્યું હતું કે, ‘જો અમને યોગ્ય સન્માન નહીં આપવામાં આવે તો અમારી પાર્ટી સ્વતંત્ર છે અને અમારા દરવાજા ખુલ્લા છે. અમે ગમે ત્યાં જવા જઇશું. હવે જ્યારે સીટની વહેંચણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે તેમનો રોષ ભભૂકી ઉઠ્યો છે. એમ પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય બાદ પશુપતિ પારસ પણ ઈન્ડિયા બ્લોક સાથે જવાની શક્યતા પર વિચાર કરી રહ્યા છે.
રામવિલાસ પાસવાનના નિધન બાદ એલજેપીમાં ભાગલા પડી ગયા હતા. એલજેપી બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી, એક જૂથનું નેતૃત્વ પશુપતિ પારસ અને બીજા જૂથનું નેતૃત્વ ચિરાગ પાસવાન કરી રહ્યા છે. ચિરાગ પાસવાન પોતે હાલમાં જમુઈથી સાંસદ છે. NDAમાં હાલમાં સીટ વહેંચણીમાં ચિરાગ પાસવાનને 5 બેઠકો મળી છે, જેમાં વૈશાલી, હાજીપુર, સમસ્તીપુર, ખગરિયા અને જમુઈનો સમાવેશ થાય છે.