
નવી દિલ્હી: કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન મીનાક્ષી લેખીને સાંસદમાં કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન પર પોતાનો જવાબ આપતા આઠ ડિસેમ્બરના રોજ જણાવ્યું હતું કે એ ભારત તરફથી ક્યારેય હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું નથી કે પછી કોઈપણ એવા દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા નથી કે જે હમાસને આતંકવાદી સંગઠન ગણાવતા હોય.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે તમને ખોટી માહિતી આપવામાં આવી છે કારણ કે મેં આવા હમાસને આતંકવાદી તરીકે બતાવતા કોઈપણ કાગળ પર સહી કરી નથી. અગાઉ પણ કોંગ્રેસના સાંસદ કે સુધાકરણે પૂછ્યું હતું કે શું કેન્દ્ર સરકાર પાસે હમાસને ભારતમાં આતંકવાદી સંગઠન જાહેર કરવાનો કોઈ પ્રસ્તાવ છે અને શું ઈઝરાયલે ભારત સરકાર સમક્ષ આવી કોઈ માંગણી કરી છે?
તે સમયે એક યુઝરે સોશિયલ મીડિયા પર એક દસ્તાવેજ શેર કર્યો હતો જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મીનાક્ષી લેખીએ એક દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હશે જેમાં હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય પ્રધાને આ અંગે તપાસની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે સાત ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા ઇઝરાયલ પર કરવામાં આવેલા હુમલામાં 1,400 થી વધુ લોકો માર્યા ગયા હતા. ત્યારે તેલ અવીવના જવાબી હુમલામાં અત્યાર સુધીમાં 16,000 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે.
ત્યારે ભારત ઇઝરાયલ અને મોટા આરબ દેશો બંને સાથે મજબૂત સંબંધો ધરાવે છે. ત્યારે ભારતે અત્યાર સુધીમાં યુદ્ધ રોકવા અને શાંતિ મંત્રણા શરૂ કરવા જ કહ્યું છે.