
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અને અનામત બિલ મુદ્દે આજે લોકસભાના સત્રમાં ચર્ચા થઇ હતી. આ મુદ્દે વિપક્ષના સવાલનો જવાબ આપતા ગૃહપ્રધાન અમિત શાહે વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન સંશોધન બિલ 70 વર્ષથી અવગણના પામેલા અને અપમાનિત થયેલા લોકોને ન્યાય અપાવવા માટે લાવવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નામ લીધા વગર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે કેટલાક લોકોને ભાષણ લેખિતમાં આપવામાં આવે છે અને તેઓ 6 મહિના સુધી એ જ ભાષણ વારંવાર વાંચતા રહે છે. તેઓ ઈતિહાસ જોતા નથી.
ગૃહપ્રધાને આગળ જણાવ્યું, “દેશભરમાં જમ્મુ-કાશ્મીરમાંથી લગભગ 46,631 પરિવારો અને 1,57,967 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આ બિલ આ લોકોને અધિકાર આપવા અને તેમને પ્રતિનિધિત્વ આપવા માટે છે. તેમણે કહ્યું કે, “જો વોટ બેંકનો વિચાર કર્યા વિના શરૂઆતથી જ આતંકવાદનો સામનો કરવામાં આવ્યો હોત તો કાશ્મીરી પંડિતોએ પોતાના ઘરબાર છોડવા પડ્યા ન હોત.”
કેન્દ્રીય ગૃહપ્રધાને આગળ કહ્યું, “પછાત વર્ગ આયોગને 70 વર્ષ સુધી બંધારણીય માન્યતા મળી ન હતી. નરેન્દ્ર મોદી સરકારે પછાત વર્ગ આયોગને માન્યતા આપી. મોદી સરકારે આર્થિક રીતે પછાત લોકોને 10 ટકા અનામત પણ આપી. કોંગ્રેસે કાકા કાલેલકરના અહેવાલને રોકીને રાખ્યો. મંડલ કમીશનનો અહેવાલ લાગુ ન થવા દીધો, જ્યારે લાગુ કરવાની વાત આવી ત્યારે રાજીવ ગાંધીએ તેનો વિરોધ કર્યો. પછાત વર્ગનો સૌથી વધુ વિરોધ કોંગ્રેસે કર્યો છે.”
કલમ 370 હટાવવા મુદ્દે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, “કેટલાક લોકો કહી રહ્યા હતા કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટી જાય તો લોહીની નદીઓ વહેશે. પરંતુ એક પથ્થર પણ ન ફેંકાયો. 1980ના દાયકા બાદ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદનો સૌથી ભયાનક સમય આવ્યો. જે લોકો આ ભૂમિ પર તેમનું વતન સમજીને રહેતા હતા, તેમને રાતોરાત કાઢી મૂકવામાં આવ્યા અને તે વિશે કોઇને વાંધો પણ નહોતો. જે લોકો તેમની આ હાલત માટે જવાબદાર હતા તે લોકો ઇંગ્લેન્ડમાં રજાઓ માણી રહ્યા હતા, તેવું કેન્દ્રીય ગૃહપ્રધાને તેમના ભાષણમાં જણાવ્યું હતું.