
નવી દિલ્હીઃ સંસદમાં વંદે માતરમ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં આની ચર્ચા શરૂ કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે રાજ્યસભામાં વંદે માતરમ્ ને લઈ વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.
વંદે માતરમ પર ચર્ચાની જરૂર 2047માં પણ રહેશેઃ અમિત શાહ
ગૃહ પ્રધાન શાહે રાજ્યસભામાં કહ્યું, વંદે માતરમ પર ચર્ચાની જરૂર આજે પણ છે અને 2047માં જ્યારે ભારત મહાન રાષ્ટ્ર બનશે ત્યારે પણ રહેશે. વંદે માતરમની પૃષ્ઠભૂમિમાં સદીઓ સુધી ઇસ્લામિક આક્રમણ સહન કરીને આ દેશની સંસ્કૃતિને નબળી પાડવાનો અને અંગ્રેજો દ્વારા એક નવી સભ્યતા અને સંસ્કૃતિ થોપવાના પ્રયાસનો પ્રતિકાર હતો, જેના પછી બંકિમ બાબુએ તેની રચના કરી. અમિત શાહે વધુમાં કહ્યું, માતૃભૂમિનું વંદન પ્રભુ શ્રીરામે પણ કર્યુંઅને ચાણક્યે પણ કર્યું હતું. માતૃભૂમિથી મોટું કંઈ હોઈ શકે નહીં. આ જ ચિરંતન ભાવને બંકિમ બાબુએ પુનર્જીવિત કર્યો હતો.
રાજ્યસભામાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પૂર્વ પીએમ જવાહરલાલ નેહરુ પર આકરા પ્રહાર કર્યા હતા. શાહે કહ્યું, નેહરુએ વંદે માતરમના ટુકડા કર્યા હતા. તુષ્ટિકરણ માટે વંજે માતરમનો વિરોધ કર્યો. જ્યારે વંદે માતરમના 100 વર્ષ પૂરા થવા પર દેશમાં જશ્ન મનાવવાનો હતો ત્યારે દેશમાં કટોકટી લાદવામાં આવી હતી.
આ ઉપરાંત તેમણે કહ્યું, હું કાલે જોતો હતો કે અનેક સભ્યો વંદે માતરમની ચર્ચાને મુદ્દાથી ધ્યાન ભટકાવવાનું હથિયાર માનતા હતા. અમે મુદ્દા પર ચર્ચા કરવાથી ડરતા નથી. સંસદનો બહિષ્કાર પણ નથી કરતાં. જો સંસદ ચાલવા દેવી હોય તો તમામ મુદ્દા પર ચર્ચા થશે. અમારા પાસે છુપાવવા જેવું કંઈ નથી.
મલ્લિકાર્જુન ખડગેએ અમિત શાહના નિવેદન પર કર્યો પલટવાર
કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદન પર પલટવાર કર્યો હતો. સંબોધન શરૂ કરતા પહેલા તેમણે વંદે માતરમનો નારો લગાવ્યો હતો. તેમણે કહ્યું- હું 60 વર્ષથી આ ગીત ગાઈ રહ્યો છું. વંદે માતરમ નહોતા ગાતા તેમણે હમણા શરૂઆત કરી છે. 1986માં કોંગ્રેસના અધિવેશનમાં રવિન્દ્રનાથ ટાગોરે પ્રથમ વખત વંદે માતરમ ગાયું હતું. કોંગ્રેસે આઝાદીની ચળવળ દરમિયાન વંદે માતરમને નારો બનાવવાનું કામ કર્યું હતું.
આ ઉપરાંત ખડગેએ કહ્યું, વડા પ્રધાન મોદી નહેરુના અપમાનનો એક પણ મોકો છોડતા નથી અને ગૃહ પ્રધાન અમિત શાહ પણ આમ જ કરી રહ્યા છે. પીએમ મોદીએ દેશની માફી માંગવી જોઈએ. આઝાદી માટે બલિદાન આપનારા, જેલમાં જનારા મહાપુરુષોનું તમે અપમાન કરી રહ્યા છો. તમે દેશ માટે આઝાદીની લડાઈ નહોતા લડ્યા. તમે બંધારણમાં નથી માનતા. તેથી અમે કહીએ છીએ કે તમે શું કર્યું?



