ભોપાલ યુનિયન કાર્બાઈડ કચરા નિકાલનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યોઃ આવતીકાલે સુનાવણી…
નવી દિલ્હી: મધ્ય પ્રદેશના પીથમપુરામાં યુનિયન કાર્બાઈડનો કચરો સળગાવવાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ભોપાલથી પીથમપુરા કચરો લઈ જવા અને ત્યાં તેને સળગાવવા પર પ્રતિબંધની માંગ કરવામાં આવી હતી. અરજીમાં એ બાબતનો પણ ઉલ્લેખ છે કે યુનિયન કાર્બાઇડનો કચરાને ખસેડવાના નિર્ણયની પીથમપુરાના લોકોને જાણ કરવામાં નહોતી આવી. પીથમપુરામાં રેડિયેશનનું પણ જોખમ રહેલું છે. આ અરજી પર આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : MP: ઘરેથી ન્યુ યર પાર્ટી કરવા નીકળેલા ચાર યુવકોની સેપ્ટિક ટાંકીમાંથી મળી લાશ!
શું છે સમગ્ર વિવાદ?
મધ્ય પ્રદેશના પીથમપુરમાં યુનિયન કાર્બાઈડ ફેક્ટરીના કેમિકલ વેસ્ટના નિકાલને લઈને વિવાદ સર્જાયો છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સરકારે ત્યાં કચરો ખસેડ્યો છે અને હવે તેના નિકાલની પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન પીથમપુરના રહેવાસીઓએ તેનો વિરોધ કર્યો છે. લોકોનું કહેવું છે કે આ ગંદકીને કોઇ અન્ય જગ્યાએ સળગાવવી જોઈએ. આ મુદ્દે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે કહ્યું હતું કે સરકારની કાર્યવાહી દરેકના હિતમાં છે અને લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે. આ દરમિયાન તેમણે કોઈનું નામ લીધા વિના કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધ્યું હતું.
આ પણ વાંચો : ચીનમાં ફેલાય રહેલા વાયરસને પગલે સ્વાસ્થ્ય મંત્રાલય સાવધ; કહ્યું ભારત આ માટે……
અફવાઓ પર ધ્યાન નહીં આપો: CM
મુખ્ય પ્રધાન મોહન યાદવે કહ્યું હતું કે 40 વર્ષ પહેલા જેમના કાર્યકાળમાં ગેસ દુર્ઘટના થઈ હતી, તેઓ આજે પણ અફવાઓ ફેલાવવામાંથી ઊંચા આવતા નથી. અજ્ઞાનતાના આધારે તેઓ ખોટી વાતો ફેલાવી રહ્યા છે, જો કોઈ વોટની રાજનીતિ માટે જુઠ્ઠાણું ફેલાવે તો હું શું કરી શકું? હું તેમની નિંદા કરીશ અને તેનાથી બચવું જોઈએ. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી સોમવારે થશે.