બજેટ: ‘જી રામ જી’ યોજનાને ‘બલ્લે બલ્લે’, જાણો કેટલી થઈ ફાળવણી?

નવી દિલ્હીઃ ભારતના નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2026-27ને કેન્દ્રસ્થાને રાખીને કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા ‘મનરેગા’ યોજનાનું નામ બદલીને ‘વિકસિત ભારતઃ જી રામ જી’ કરવામાં આવ્યું હતું. આ યોજના માટે આ બજેટમાં 95,692 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ગત વર્ષની વાત કરવામાં આવે તો ગતવર્ષે મનરેગાને 86 હજાર કરોડનું બજેટ મળ્યું હતું. ગતવર્ષની સરખામણીએ આ વર્ષના બજેટમાં આ યોજના માટે 11.27 ટકાની વૃદ્ધિ કરી છે.
‘જી રામ જી’ શું છે વિશેષ જોગવાઈ
આ યોજનાની વાત કરવામાં આવે તો, કેન્દ્ર સરકારે નોટિસ કર્યું હતું કે, મનરેગા અંતર્ગત કામની માંગ ઓછી રહે છે, જેને ધ્યાનમાં રાખીને વિકસિત ભારત-ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) કાયદો લાગુ કરવામાં આવ્યો છે. જેને ‘વિકસિત ભારતઃ જી રામ જી’ પણ કહેવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, ગતવર્ષે આ યોજના એટલે કે મનરેગામાં સંશોધન કરવામાં આવ્યું હતું.
મનરેગા યોજના ક્યારે લાગુ કરી હતી?
મનરેગાની વાત કરવામાં આવે તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રાણીણ રોજગાર ગેરંટી અધિનિયમ એટલે કે મનરેગા યોજનાને 2005માં લાગુ કરવામાં આવી હતી. મનરેગાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી નિર્માણ કરવાનું હતું. પરંતુ નાણાકીય વર્ષ 2026-27ની આર્થિક સમીક્ષામાં એવું પ્રમાણિત કરવામાં આવ્યું કે, સમયની સાથે ગ્રામીણ રોજગારીનું સ્વરૂપ અને રૂપરેખા બદલાઈ ગઈ છે, જેના કારણે આ યોજનામાં સંશોધન કરવાની જરૂર પડી હતી.
હવે 125 દિવસની રોજગારીની ગેરન્ટી
ખાસ કરીને વાત કરવામાં આવે તો, ‘વિકસિત ભારતઃ જી રામ જી’ માં હવે 100 દિવસની જગ્યાએ 125 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવે છે. તેવું કેન્દ્ર સરકારે આર્થિક સમીક્ષામાં જણાવ્યું હતું. જેથી નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં ‘વિકસિત ભારતઃ જી રામ જી’ માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. અને બજેટમાંથી 95,692 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાં છે.



