Top Newsનેશનલ

Union Budget 2026: શું આ વખતે વધશે 80Cની લિમિટ?

Budget 2026: દર વર્ષે બજેટમાં કરદાતા તેમને કેટલી રાહત મળશે તેની રાહ જોતા હોય છે. જે લોકો જૂની ટેક્સ સિસ્ટમમાં છે તેઓને આની વધારે આતુરતા હોય છે. કારણકે હાલ મોંઘાવારી વધી છે, મકાન મોંઘા થયા છે અને વીમાનો ખર્ચ વધ્યો છે પરંતુ ટેક્સ બચાવવાના નિયમમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે હવે સવાલ શું સરકાર 10 વર્ષ જૂની ટેક્સ લિમિટ બદલશે કે નહીં તેના પર છે.

જે લોકો જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરે છે તેમની સૌથી મોટી ફરિયાદ ટેક્સ બચાવવાની મર્યાદા વર્ષોથી વધી નથી. 80C, 80D અને હોમ લોન પર મળતી છૂટની મર્યાદા આશરે 10 વર્ષ પહેલા નક્કી કરવામાં આવી હતી. ત્યારથી આવક વધી, ખર્ચ વધ્યો પણ ટેક્સના નિયમો બદલાયા નથી. જૂની ટેક્સ સિસ્ટમ લોકોને બચતની આદત પાડવા માટે બનાવવામાં આવી હતી. લાઈફ ઈન્સ્યોરન્સ, પીએફ (PF), હેલ્થ ઈન્સ્યોરન્સ અને ઘર ખરીદવા પર ટેક્સમાં રાહત આપવા પાછળનો વિચાર આ જ હતો. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, મોંઘવારી ખૂબ વધી ગઈ છે અને સારવાર તેમજ ઘરનો ખર્ચ પહેલા કરતા ક્યાંય વધારે થઈ ગયો છે. આ કારણે આ ટેક્સ લાભો હવે પહેલા જેવા મદદરૂપ રહ્યા નથી.

આ પણ વાંચો…Budget 2026: નાણાં મંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે સતત નવમું બજેટ, આ આંકડાઓ પર રહેશે સૌની નજર

10 વર્ષથી કેમ નથી બદલાઈ 80C ની લિમિટ?

સેક્શન 80C એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતો ટેક્સ બેનિફિટ છે, જેમાં પીએફ, લાઈફ ઈન્સ્યોરન્સ, ELSS, બાળકોની ફી અને હોમ લોનની મુદ્દલ રકમનો સમાવેશ થાય છે. પરંતુ તેની મર્યાદા આજે પણ માત્ર 1.5 લાખ રૂપિયા જ છે. આ મર્યાદા 2014 પછી ક્યારેય બદલાઈ નથી. આજના સમયમાં આ રકમ મધ્યમ વર્ગના પરિવારો માટે ઘણી ઓછી લાગે છે.

બજેટ 2026 માં 80C ની મર્યાદા 3 લાખ સુધી વધવાની આશા

બજેટ 2026 પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સરકાર 80C ની મર્યાદા વધારી શકે છે. ઘણા નિષ્ણાતો માને છે કે તેને 3 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે અથવા તેને મોંઘવારી સાથે જોડવામાં આવી શકે છે. જો આવું થશે, તો લોકોને બચત કરવામાં ફરીથી ફાયદો થશે અને રિટાયરમેન્ટ તેમજ બાળકોના અભ્યાસ માટે પણ રાહત મળી શકે છે.

80D માં પણ ફેરફાર કેમ જરૂરી?

હેલ્થ ઈન્સ્યોરન્સનો ખર્ચ છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વધ્યો છે, પરંતુ 80D હેઠળ મળતી ટેક્સ છૂટ એટલી જ જૂની છે. આજે સારવાર મોંઘી છે અને ઈન્સ્યોરન્સ પ્રીમિયમ વધારે છે, તેથી આ મર્યાદા પણ ઓછી જણાય છે. જો આ વધારવામાં આવે તો વધુ લોકો હેલ્થ ઈન્સ્યોરન્સ લેવા માટે આગળ આવી શકે છે.

હોમ લોનના વ્યાજ પર ટેક્સ છૂટ વધારવાની માંગ તેજ

પોતાના ઘર માટેની હોમ લોનના વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધીની છૂટ મળે છે. આ લિમિટ પણ 2014 પછી બદલાઈ નથી, જ્યારે ઘરોની કિંમત અને લોન બંનેમાં ઘણો વધારો થયો છે. મોટા શહેરોમાં 2 લાખની મર્યાદા ખૂબ ઓછી લાગે છે. પ્રથમ વખત ઘર ખરીદનારાઓ માટે કેટલાક અલગ ફાયદા લાવવામાં આવ્યા હતા, પરંતુ તે સમય જતાં સમાપ્ત થઈ ગયા છે. એક માંગ એવી પણ છે કે હોમ લોનની ટેક્સ છૂટને ઘરની કિંમત અથવા વિસ્તારના ભાવ સાથે જોડવામાં આવે, જેથી આ ફાયદો આજના બજાર મુજબ મળી શકે.

જૂની ટેક્સ સિસ્ટમ પર સરકારનું વલણ શું છે?

સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી નવી ટેક્સ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે. નવી ટેક્સ સિસ્ટમમાં ટેક્સના દર ઓછા છે પરંતુ કોઈ છૂટ કે કપાત મળતી નથી. હવે મોટાભાગના ટેક્સપેયર્સ નવી સિસ્ટમમાં સ્વિચ કરી ચૂક્યા છે અને સરકાર નથી ઈચ્છતી કે જૂની સિસ્ટમના ફાયદા વધારીને લોકોને ફરીથી તે તરફ ખેંચવામાં આવે.

આ પણ વાંચો…બજેટની માહિતી જનતા સુધી પહોંચાડવા ભાજપનું રાષ્ટ્રવ્યાપી અભિયાન, 150થી વધુ પ્રેસ કોન્ફરન્સ યોજાશે…

શું જૂની ટેક્સ સિસ્ટમ ખતમ થશે કે મળશે રાહત?

હવે સૌથી મોટો સવાલ એ જ છે કે શું સરકાર 10 વર્ષથી અટકેલી ટેક્સ લિમિટને બદલશે કે પછી જૂની ટેક્સ સિસ્ટમને ધીમે-ધીમે નાબૂદ થવા દેશે. Budget 2026 એ સ્પષ્ટ કરી દેશે કે ટેક્સપેયર્સ માટે સરકારનું આગામી પગલું શું હશે.

આજે સંસદમાં કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 9મું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ બજેટમાં કરદાતાને રાહતની આશા છે તો મિડલ ક્લાસથી લઈ ગ્રામ્ય-ખેડૂતોની નજર પણ છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button