Union Budget: આ નાણા પ્રધાનના નામે છે સૌથી ઓછા બજેટ ભાષણનો રેકોર્ડ…

Union Budget 2026: આજે કેન્દ્રિય બજેટ રજૂ થશે. આ બજેટ પર તમામ લોકોની નજર છે. મોદી સરકારના ત્રીજા કાર્યકળનું બીજું બજેટ છે. નિર્મલા સીતારમણ તેમનું નવમું બજેટ રજૂ કરશે. પરંતુ શું તમને ખબર છે ભારતના કયા નાણા પ્રધાનના નામે માત્ર 800 શબ્દોના સૌથી ટૂંકુ બજેટ ભાષણનો રેકોર્ડ છે?
પૂર્વ નાણા પ્રધાન હીરુભાઈ મુળજીભાઈ પટેલ (એચ. એમ. પટેલ)ના નામે સૌથી ઓછા શબ્દોમાં બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે. 1977માં તેમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે માત્ર 800 શબ્દોમાં બજેટ ભાષણ પૂરું કર્યું હતું.

એચ. એમ. પટેલ ઈન્ડિયન સિવિલ સર્વિસના નિવૃત્ત અધિકારી, રાજકારણ ક્ષેત્રે સંચાલક અને વહીવટકર્તા હતા. તેઓ મોરારજી દેસાઈની જનતા સરકારમાં 24 માર્ચ, 1977 થી 24 જાન્યુઆરી, 1979 સુધી નાણા પ્રધાન રહ્યા હતા. 1947માં દેશની આઝાદીના સમયે ભારત-પાકિસ્તાન ના ભાગલા પડ્યા ત્યારે સરકારની અસ્કયામતો અને દેવાની વહેંચણીની જવાબદારી પણ બખૂબી નિભાવી હતી.
દેશી રાજ્યોના વિલિનીકરણ સમયે હૈદરાબાદ કેસમાં પોલીસ એક્શનના પગલાંઓમાં પણ તે જનરલ રાજેન્દ્રસિંહ, કનૈયાલાલ મુન્શી, સરદાર પટેલની સાથે સંકળાયેલી ચોથી ગુજરાતી કડી હતાં. 1958માં ઇન્ડિયન સિવિલ સર્વિસીસમાંથી રાજીનામું આપી દીધું. ત્યારબાદ ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ તરીકે જોડાયાં. 1966માં સ્વતંત્ર પક્ષની સ્થાપના થતાં રાજકારણના ક્ષેત્રે ઝંપલાવ્યું. તેના પ્રમુખ તરીકે પણ ફરજો બજાવી.
આ પણ વાંચો…Budget 2026: નિર્મલા સીતારમણ તોડશે 75 વર્ષની પરંપરા? પ્રથમ વખત પાર્ટ બી હશે ખાસ…
1977માં જનતા પાર્ટીની ટિકિટ પરથી સાબરકાંઠાની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડ્યાં, જીત્યા અને મોરારજી સરકારમાં નાણા પ્રધાન પણ બન્યા. નાણા પ્રધાન તરીકે ફૂગાવો નાથવામાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી. 1980માં સાબરકાંઠાથી લોકસભા ચૂંટણીમાં હાર્યા તો 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી વિરોધ પક્ષ માટે વિપરીત વાતાવરણમાં પણ ચૂંટણી જીત્યાં હતા.

સૌથી વધુ વખત બજેટ રજૂ કરનારા નેતા
સ્વતંત્ર ભારતમાં સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ સાથે છે. તેમણે 1959-1964 વચ્ચે છ વખત અને 1967-1969 વચ્ચે ચાર વખત બજેટ રજૂ કર્યું હતું. આમ કુલ 10 વખત બજેટ રજૂ કર્યું હતું. પી ચિદમ્બરમે નવ વખત બજેટ રજૂ કર્યું હતું. પ્રણવ મુખર્જીએ 8 વખત બજેટ રજૂ કર્યું હતું. નિર્મલા સીતારમણ આઠ વખત બજેટ રજૂ કરી ચુક્યા છે અને નવમી વખત બજેટ રજૂ કરશે.



