નેશનલ

પહેલી ફેબ્રુઆરીએ રવિવાર હોવા છતાં સંસદમાં રજૂ થશે બજેટ? જાણો નિર્મલા સીતારમણનો માસ્ટર પ્લાન

ભારત સરકારના આગામી નાણાંકીય વર્ષ 2026-27ના બજેટને લઈને અત્યારે દેશભરમાં ભારે ઉત્સુક્તા અને એની સાથે મૂંઝવણ પણ જોવા મળી રહી છે. ઉત્સુક્તા તો સમજી શકાય પણ મૂંઝવણ શું કામ એવો સવાલ ચોક્કસ જ તમને થયો હશે, બરાબર ને? મૂંઝવણ એટલા માટે કારણે કે દર વર્ષે પહેલી ફેબ્રુઆરીના બજેટ રજૂ કરવામાં આવે છે, પરંતુ આ વખતે પહેલી ફેબ્રુઆરી, 2026ના રવિવાર છે. આવી સ્થિતિમાં રવિવારે બજેટ રજૂ કરાશે કે નહીં, કારણ કે રવિવાર તો રજાનો દિવસ હોય છે. જો રવિવારે એટલે કે પહેલી ફેબ્રુઆરીના બજેટ નહીં રજૂ કરવામાં આવે તો નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ ક્યારે બજેટ રજૂ કરશે? ચાલો જોઈએ આખી સ્ટોરી વિસ્તારથી…

નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ હાલમાં તેમના આગામી બજેટની તૈયારીઓમાં વ્યસ્ત છે. સૂત્રોની વાત કરીએ તો સરકાર દર વર્ષની જેમ પહેલી ફેબ્રુઆરીના બજેટ રજૂ કરવાની પરંપરા જાળવી રાખવા માટે રવિવાર હોવા છતાં પણ પહેલી ફેબ્રુઆરીએ જ બજેટ રજૂ કરવાના પક્ષમાં છે. જોકે, તેમ છતાં આ બાબતનો અંતિમ નિર્ણય તો બુધવારે યોજાનારી સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA)ની બેઠકમાં લેવામાં આવશે.

આ પણ વાંચો : કેન્દ્રીય બજેટ 2026-27 માટે સરકારે લોકો પાસેથી સૂચનો માંગ્યા…

બુધવારે સીસીપીએની એક અત્યંત મહત્ત્વની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં બજેટ સત્રની ચોક્કસ તારીખો અને પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવું કે નહીં, તે અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. જો સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવશે તો તો ભારતીય સંસદના ઈતિહાસમાં આ એક ખૂબ જ જવલ્લે જોવા મળતી ઘટના હશે કે જ્યારે રવિવારે સંસદ ચાલશે અને દેશનું બજેટ રજૂ કરવામાં આવશે.

બજેટ સત્રનું સંભવિત સમયપત્રક

સત્તાવાર વર્તુળોમાં થઈ રહેલી ચર્ચાઓ અનુસાર સંભવિત કાર્યક્રમ મુજબ બજેટ સત્રની શરૂઆત નીચે મુજબ થઈ શકે છે.

  • 28મી જાન્યુઆરી: બજેટ સત્રનો પ્રારંભ થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે.
  • 29મી જાન્યુઆરી: દેશનો આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે, જેમાં ગયા વર્ષના અર્થતંત્રનો અહેવાલ આપવામાં આવે છે.
  • ૩૦મી અને ૩૧મી જાન્યુઆરી: આ બે દિવસ સંસદમાં રજા રહેવાની સંભાવના છે.
  • પહેલી ફેબ્રુઆરી: જો સરકાર મક્કમ રહેશે, તો આ દિવસે સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : કેન્દ્રીય બજેટ 2025-26: મધ્યમવર્ગ ભલે ખુશ હોય પણ આ વર્ગની આશાઓ ન ફળી

રવિવારે બજેટ રજૂ કરવાના ફાયદા

વાત કરીએ રવિવારના દિવસે બજેટ રજૂ કરવાના ફાયદાઓ વિશે તો જો પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે તો આમ આદમી માટે એ ફાયદાકારક સાબિત થઈ શકે છે. રવિવાર હોવાને કારણે નોકરિયાત વર્ગ અને સામાન્ય લોકો ઘરે બેસીને ટીવી પર નાણા પ્રધાનનું આખું ભાષણ શાંતિથી સાંભળી શકશે. આ સાથે જ તેઓ એ પણ સમજી શકશે કે નવા બજેટથી ટેક્સ સ્લેબ, મોંઘવારી અને તેમની બચત પર શું અસર પડશે.
જોકે, આ પહેલી વખત નથી રવિવારે બજેટ રજૂ કરવામાં આવ્યું હોય. આ પહેલાં પણ વિશેષ સંજોગોમાં રવિવારે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, તેથી આ વખતે પણ આવું જ થાય એની પૂરેપૂરી શક્યતાઓ છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button