
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: યુનિયન બજેટ ૨૦૨૬ પર ખાસ કરીને મધ્યમ વર્ગ અને રોકાણકારોની નજર મંડાયેલી હતી. વધતી મોંઘવારી, હોમલોનના વ્યાજદર, શિક્ષણ અને આરોગ્યના સતત વધતા ખર્ચ જેવી ચિંતાઓ વચ્ચે મધ્યમ વર્ગને સરકાર પાસેથી રાહતની અપેક્ષા હતી. બીજી તરફ, રોકાણકારો બજારમાં સ્થિરતા, કરવેરાના સરળીકરણ અને નવી રોકાણ તકોની રાહ જોઈ રહ્યા હતા.
મધ્યમ વર્ગ માટે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો આવકવેરામાં રાહતનો હતો અને એમાં જ નિરાશા સાંપડી છે. નવી કરવેરા પ્રણાલીને વધુ આકર્ષક બનાવવા માટે સરકાર સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવા અથવા કરસ્લેબમાં ફેરફાર કરશે એવી આશા પર પાણી ફરી વળ્યા છે. જો કરમુક્તિ મર્યાદા વધારવામાં આવી હોત તો પગારદાર વર્ગને સીધી નાણાકીય રાહત મળવાથી વપરાશ ખર્ચમાં વધારો થતાં દેશની આંતરિક માગ મજબૂત બનવા સાથેે અર્થવ્યવસ્થાના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું હોત.
રોકાણકારો માટે બજેટમાં મૂડી બજાર સંબંધિત સુધારામાં કેપિટલ ગેઇન ટેક્સમાં સરળીકરણ અથવા લાંબા ગાળાના રોકાણ માટે વધારાની છૂટછાટની અપેક્ષા સામે એસટીટીનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. મધ્યમ વર્ગ માટે સૌથી મોટો ઝટકો એવો રહ્યો કે આવકવેરા દર અને સ્લેબ્સમાં કોઇ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો ના હોવાથી તાત્કાલિક નાણાકીય રાહત મળતી નથી. સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ કોઇ વધારો કરવામાં આવ્યો નથી.
એકંદરે અંદાજપત્ર મધ્યમ વર્ગ તેમ જ નાની-મધ્યમ આવક ધરાવતા નાગરિકો માટે નિરાશાજનક રહ્યું છે. નોંધવું રહ્યું કે, બજેટ માત્ર આંકડાઓનો દસ્તાવેજ નથી, પરંતુ વિશ્ર્વાસ અને દિશાનો સંદેશ છે. મધ્યમ વર્ગની ખરીદી શક્તિ અને રોકાણકારોના વિશ્ર્વાસ, આ બંને પર જ ભારતના વિકાસની ગાડી આગળ વધે છે.


