કેન્દ્રીય બજેટ 2026-27 માટે સરકારે લોકો પાસેથી સૂચનો માંગ્યા…

નવી દિલ્હી : કેન્દ્રીય બજેટ 2026-27 માટે સરકારે લોકો પાસેથી સૂચનો માંગ્યા છે. જેના થકી નવા નિયમો અને યોજના બનાવવામાં તે મદદરૂપ થઈ શકે. આ અંગે MyGovIndia પરની એક પોસ્ટ અનુસાર, સરકારે લોકોને આ મહત્વપૂર્ણ પહેલમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા છે. આ અંગે સરકારે MyGovIndia પર લખ્યું છે કે, લોકોના સૂચનોથી બજેટનું નિર્માણ. કેન્દ્રીય બજેટ 2026-27 માટે તમારા સૂચનો શેર કરો અને સમાવિષ્ટ વિકાસ અને રાષ્ટ્રીય વિકાસને પ્રોત્સાહન આપતી નીતિઓમાં યોગદાન આપો. આ સૂચન માટે દરેકને MyGov વેબસાઇટની મુલાકાત લેવા અને આગામી વર્ષના નવા બજેટમાં કયા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તે અંગે પોતાના સૂચનો રજૂ કરવા જણાવ્યું છે.
કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે પરામર્શ કરવામાં આવ્યો
આ પૂર્વે, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે આગામી કેન્દ્રીય બજેટ 2026-27 ની તૈયારી માટે નવી દિલ્હીમાં બજેટ પહેલા અનેક પરામર્શ કર્યા હતા. આ શ્રેણીની શરૂઆત અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે પરામર્શથી થઈ હતી. ત્યાર બાદ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ અને કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો.ત્યારબાદના સત્રોમાં એમએમએમઈ ,મૂડી બજારો, સ્ટાર્ટઅપ્સ, ઉત્પાદન, બેંકિંગ, નાણાકીય સેવાઓ અને વીમા, માહિતી ટેકનોલોજી, પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રો અને અંતે ટ્રેડ યુનિયનો અને મજૂર સંગઠનોના હિસ્સેદારોને આવરી લેવામાં આવ્યા હતા.
બજેટ મુદ્દે ચર્ચાઓ શરૂ
ઉલ્લેખનીય છે કે, દેશમાં 1 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ થનારા બજેટ મુદ્દે ચર્ચાઓ શરૂ થઇ છે. જેમાં કેન્દ્ર સરકાર આ વર્ષે બજેટમાં ઇન્કમટેક્સ અને જીએસટીમાં સુધાર બાદ હવે કસ્ટમ ડ્યુટીમાં સરળીકરણની દિશાના પ્રયાસ કરશે. આ અંગે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે આ વર્ષે ઇન્કમટેક્સ અને જીએસટીમાં સુધાર કર્યા છે. જેના લીધે સામાન્ય લોકોને હાથમાં વધુ રોકડ આવી અને ખરીદ શકિત વધી હતી. તેમણે કહ્યું કે તે હવે કસ્ટમ ડ્યુટીમાં મોટો ફેરફાર કરવા જઇ રહ્યા છે. કસ્ટમ ડ્યુટીને સરળ બનાવવી છે જેથી લોકો તેનું પાલન કરે અને પારદર્શિતા પણ વધે.
આ પણ વાંચો…ઈપીએફઓએ નિયમોમાં કર્યો મોટો બદલાવ, લાખો કર્મચારીઓને રાહત



