હવે તો માનો, UNESCO પણ કહે છે કે સ્માર્ટફોન બાળકો માટે આટલો નુકસાનકારક છે
નવી દિલ્હી: તમે માતા-પિતા તરીકે બાળકોને ફોનથી દૂર રાખવા માગો તો પણ આજે શિક્ષણમાં જ ફોનની જરૂરિયાત ઊભી કરવામાં આવી છે તેથી માતા-પિતા પાસે પણ કોઈ વિકલ્પ બચ્યો નથી.
સ્માર્ટફોન પાયાની જરૂરિયાત બની ગયો છે અને જરૂરી રોજિંદા કામ પણ તેના વિના થઈ શકતા નથી, પરંતુ બાળકો અને કિશોરો જે રીતે મોબાઈલનો બેફામ ઉપયોગ કરે છે તે તેમના વિકાસને અવરોધી રહ્યું છે. આ વાત ઘણા સમયથી ચર્ચામાં છે, પણ માનવામાં આવતું નથી. ત્યારે યુનેસ્કોએ અભ્યાસ કરી સંશોધન કરી તારણ આપ્યું છે કે સ્માર્ટફોન બાળકોને કઈ રીતે પાછા પાડી રહ્યો છે. જોકે દુખની વાત તો એ છે કે વિશ્વના માત્ર 25 ટકા દેશ જ સ્કૂલમાં સ્માર્ટ ફોનને પ્રતિબંધિત કરે છે.
યુનેસ્કોના ધી ગ્લોબલ એજ્યુકેશન મોનિટરીંગ (જીઈએમ)ના અહેવાલમાં તમામ નાના મોટા કામ કાજ કરવા માટે સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ વિદ્યાર્થીઓના પરફોર્મન્સ માટ અવરોધ ઉભો કરતો હોવા અંગે જણાવામાં આવ્યુ છે. પીઆઈએસએ જેવા મોટા પાયે આંતરરાષ્ટ્રીય ડાટા દર્શાવે છે કે મોબાઈલ જેવા ઉપકરણોનું સરળતાથી મળી જવું વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકાવીને અભ્યાસમાં અવરોધ સર્જતી હોવા છતાં માત્ર ૨૫ ટકા દેશોએ સ્કૂલમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂક્યા છે.
આ પણ વાંચો : જૂના શિક્ષકોની ભરતી અંગે શિક્ષણ વિભાગે જાહેર કર્યા નવા નિયમો : આ મળશે લાભ….
યુનેસ્કોના ધી ગ્લોબલ એજ્યુકેશન મોનિટરીંગ (જીઈએમ) અહેવાલમાં સ્માર્ટફોન સહિતની ટેકનોલોજી માત્ર શિક્ષણમાં સહાય કરતી હોય ત્યારે જ ઉપયોગમાં લેવી જોઈએ એવુ સ્પષ્ટ દર્શાવામાં આવ્યુ છે. ટેકનોલોજીના પ્રમાણસર ઉપયોગના સકારાત્મક પરિણામ જોવા મળ્યા હતા, પણ એક મર્યાદા પછી શૈક્ષણિક પરફોર્મન્સ ઘટયું હતું. ડિજિટલ ટેકનોલોજીને કારણે ખાસ કરીને સમૃદ્ધ દેશોમાં યુવા પેઢીને જરૂરી જાણકારી મળી રહે છે, પણ તમામ કિસ્સામાં સ્ક્રીન અને કીબોર્ડ લાભકારી રહ્યા નથી.
કોવિડ દરમિયાન ઓનલાઈન શિક્ષણની ક્ષમતા અને ખામી બંને સામે આવ્યા હતા. મોબાઈલનો વધુ પડતા વપરાશથી વિદ્યાર્થીઓની એકાગ્રતા પર નકારાત્મક અસર પડતી હોવાનું જણાયું છે અને તેમની શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓમાં વધારો થતો જોવા મળ્યો છે.
શિક્ષકોના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ ટેબલેટ અને ફોનનો દુરુપયોગ કરતા હોય છે અને તેના કારણે અવાજ અને અવરોધ વધતા હોય છે. વર્ગોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધુ અડચણ સર્જે છે. અહેવાલમાં દલીલ કરાઈ છે કે ખાસ કરીને મધ્યમ આવક ધરાવતા દેશોમાં ટેકનોલોજીના સ્થાને વર્ગો, શિક્ષકો અને પાઠય પુસ્તકો પાછળ ખર્ચ વધારવો જોઈએ. યુનેસ્કોન દ્વારા ટેકનોલોજીથી શિક્ષણને હાનિના સ્થાને લાભ થાય તેની ખાતરી કરવા સ્પષ્ટ ગાઈડલાઈન્સ ઘડવાની સલાહ આપવામાં આવી છે.