નેશનલ

દેશના સૌથી શિક્ષત રાજ્યમાં પટાવાળાની નોકરી માટે લાગી લાંબી લાઈન

દેશમાં અને રાજ્યોમાં શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે તેવાત નવી નથી. રાજ્યો કે કેન્દ્રની સરકારો ભલે ન સ્વીકારે પણ જે ઘટનાઓ બને છે તે આ હકીકત બયાન કરી દે છે. તલાટી, હોમ ગાર્ડ્સ, પટાવાળા કે ક્લાર્ક જેવી 500 1000 કે 2000 પોસ્ટ માટે લાખોમાં અરજી આવે છે અને શિક્ષતો પણ અરજી કરે છે, તે જણાવે છે ખાનગી અને અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા યુવાનોએ ભારે તાણ અને અસુરક્ષાનો સામનો કરવો પડે છે.

આથી જ શિક્ષત યુવાનો નાની અમથી પણ સરકારી નોકરીઓ પસંદ કરે છે. જોકે બીજી બાજુ લાખોની સંખ્યામાં સરકારી જગ્યાઓ ખાલી પડી હોવા છતાં ભરતી થતી નથી. કેરળ દેશનું સૌથી વધારે શિક્ષિત રાજ્ય માનવામાં આવે છે, પરંતુ અહીં પણ બેરોજગારીનો આંકડો ચિંતાજનક છે.

કેરળ સરકારે રાજ્યમાં પટાવાળાની ભરતીની જાહેરાત કરી છે. આ નોકરીઓ માટે માંગવામાં આવેલ લાયકાત 7મું પાસ અને સાયકલ કેવી રીતે ચલાવવી તે જાણતા હોય તે છે. મોટી સંખ્યામાં યુવાનો નોકરી માટે અરજી કરવા એર્નાકુલમ પહોંચ્યા હતા. અહીંની સરકારી કચેરીની હાલત એવી હતી કે સેંકડો યુવાનો ધક્કા ખાઈ રહ્યા હતા. જ્યારે લાઈન લગાવવામાં આવી ત્યારે કેટલાય કિલોમીટર લાંબી કતાર હતી. નોકરી માટે જરૂરી લાયકાત ધોરણ 7 સુધીનું શિક્ષણ હોવા છતાં લાઈનમાં ઉભેલા ઉચ્ચ શિક્ષિત યુવાનો હતા. બી.ટેક પણ લાઈનમાં હતા.


કેરળમાં પટાવાળાની નોકરી માટે પ્રારંભિક પગાર 23000 રૂપિયા પ્રતિ માસ રાખવામાં આવ્યો છે. ઉમેદવારોએ કહ્યું કે પગાર સારો ને એક સુરક્ષિત નોકરી મળે છે, તેથી તેઓ તૈયાર છે. ફૂડ ડિલિવરી બૉય જેવી શિફ્ટિંગની ઝંઝટ અને દોડભાગ નથી. જોકે મજાની વાત એ છે કે આજે સાયકલ પરિવહનનું સાધન લગભગ રહ્યું નથી છતાં અહીં સાયકલિંગની ટેસ્ટ રાખવામાં આવે છે.


અહીં ડિગ્રીધારી યુવાનોએ પણ લાઈન લગાવી હતી ત્યારે બેંકિગમાં ડિપ્લોમા કરેલા એક યુવાન કહ્યું હતું કે તે હાલમાં કેફે ચલાવે છે, પરંતુ સારી આવક સાથે સુરક્ષિત નોકરીની તલાશમાં છે.


કેરળમાં 2022 માં એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નોંધાયેલ નોકરી શોધનારાઓની સંખ્યા 5.1 લાખ હતી. તેમાંથી 3.2 લાખ મહિલાઓ છે, જે દેશમાં સૌથી વધુ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button