પાણીની અંદર જ્વાળામુખી ફાટવાથી બનેલું નવું આઇસલેન્ડ…
ટોક્યોઃ 30 ઓક્ટોબરના રોજ પેસિફિક મહાસાગરમાં જ્વાળામુખી ફાટવાથી એક નવો ટાપુ દરિયાની બહાર આવી ગયો હતો. વિસ્ફોટ બાદ જાપાનના ઇવો જીમા ટાપુના દરિયા કિનારે વિશાળ ખડકો જોવા મળ્યા હતા. આ અંગે જાપાની સંશોધકો એ કહ્યું હતું કે ગયા મહિને પાણીની અંદર થયેલા વિસ્ફોટથી જ્વાળામુખી ફાટી નીકળવાના કારણે ટોક્યોથી લગભગ 1,200 કિલોમીટર દક્ષિણમાં ઇવોટો દ્વીપ પાસે એક નવો ટાપુ બહાર આવી ગયો હતો.
ટોક્યો યુનિવર્સિટીના ધરતીકંપ સંશોધન સંસ્થાના પ્રોફેસરે જણાવ્યું હતું કે પેસિફિકમાં ઇવોટો આઇલેન્ડથી 1 કિમી દૂર 100 મીટરના વ્યાસવાળા એક ખડકાળ ટાપુ પર ફ્રેટોમેગ્મેટિક વિસ્ફોટ થયો હતો. ટોક્યોથી લગભગ 1200 કિમી દક્ષિણમાં આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે મેગ્મા અને પાણીની ક્રિયા પ્રતિક્રિયાને કારણે થોડી થોડી વારે એક જ્વાળા ઉપર આવતો હતો અને તેના કારણે 160 ફૂટ સુધી ખડકના મોટા ટુકડા હવામાં ઉછળ્યા હતા.
પ્રોફેસરે જણાવ્યું હતું કે વિસ્ફોટો ઇવો જીમાના દક્ષિણ છેડે થયા હતા પરંતુ વિસ્ફોટ સ્થળથી દૂર છેક ઉત્તર સુધી ખડકો ઉછળીને પહોંચ્યા હતા. જેના કારણે લગભગ 330 ફૂટ પહોળો ટાપુ બની ગયો હતો. આ નવા ટાપુની આસપાસના પાણીનો રંગ બદલાઈ ગયો હતો. આ ઉપરાંત જો વિસ્ફોટ ચાલુ રહેશે તો નવો ટાપુ હજુ મોટો થવાની ધારણા છે.
ઇવોટો આઇલેન્ડ ઓગાસાવારા આઇલેન્ડનો એક ભાગ છે. જાપાની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર આ ક્ષેત્રમાં પહેલા જુલાઇ અને ડિસેમ્બર 2022માં અને ફરીથી આ વર્ષે જૂનમાં વિસ્ફોટ થયો હતો. તેમજ 21 ઓક્ટોબરના રોજ જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો જેના પરિણામે 30 ઓક્ટોબરના રોજ આ નાના નવા ટાપુની રચના થઈ હતી.