બિહારમાં વધુ એક નિર્માણાધીન પુલ ધરાશાયી, પ્રજાના રૂ.5 કરોડ ધોવાયા
પટના: છેલ્લા ઘણા દિવસોથી બિહારમાં પુલ ધરાશાયી (Bridge collapse in Bihar) થવાના સમાચારો સતત મળી રહ્યા છે, જેને કારણે રાજ્ય સરકાર અને બાંધકામ સંબંધિત કંપનીની કામગીરી અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. વરસાદે રાજ્યમાં ભ્રષ્ટાચારને ઉજાગર કરી દીધો છે. તાજેતરમાં કટિહાર(Katihar)ના બરારી બ્લોક વિસ્તારમાં વધુ એક પુલ ધરાશાયી થવાની ઘટના બની છે, બકિયા ઘાટથી બકિયા સુખાય પંચાયતને જોડતો નિર્માણાધીન પુલ બુધવારે ગંગા નદીના જોરદાર પ્રવાહમાં વહી ગયો.
એક અહેવાલ મુજબ નિર્માણાધીન પૂલનો એક સ્લેબ ગંગા નદીમાં પડી ગયો, હવે સમગ્ર બ્રિજ પડી ભાંગે એવી શક્યતા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ગંગા નદીના પ્રવાહને કારણે બુધવારે અચાનક પુલનો એક ભાગ નદીમાં ડૂબી ગયો હતો, હાલમાં ગંગા નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થયો છે.
મુખ્યમંત્રી સડક સંપર્ક યોજના હેઠળ, ગ્રામીણ બાંધકામ વિભાગે એક વર્ષ પહેલા જ બકિયા સુખાય ગામથી બકિયા ગંગા નદીના ઘાટ સુધીના સૂચિત રોડ માટે એપ્રોચ રોડ અને બે આરસીસી બ્રિજનું નિર્માણ કર્યું છે. તેને બનાવવામાં લગભગ 5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
છેલ્લા એક સપ્તાહથી પુલના સપોર્ટ નીચેથી માટી ઝડપથી ખસી રહી હતી. સ્થાનિક જનપ્રતિનિધિઓ અને ગ્રામજનોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટરના મનસ્વી વલણ અને બાંધકામ સ્થળની ખોટી પસંદગીના કારણે પુલ ધરાશાયી થયો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ગંગા નદીમાં ધોવાણ થઈ રહ્યું હોવા છતાં વિભાગ દ્વારા ધોવાણ રોકવા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. જેના કારણે આરસીસી બ્રિજનો એક ભાગ ધરાશાયી થતાં હવે સમગ્ર બ્રિજનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. પુલના થાંભલાની આસપાસની માટી વહેણમાં ધોવાઈ ગઈ છે, જો આ રીતે ધોવાણ ચાલુ રહેશે તો ગમે ત્યારે આખો પુલ ગંગા નદીમાં ગરકાવ થઈ શકે છે.
Also Read –