ભારતમાં ચૂંટણી અંગે યુએને કરેલા નિવેદન પર કહ્યું ભારતના લોકો લોકશાહીની ચિંતા કરવા સક્ષમ છે
નવી દિલ્હી: ભારતમાં થનારી લોકસભાની સામાન્ય ચૂંટણીઓને લઈને સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુએન) તરફથી કરવામાં આવેલી ટિપ્પણી પર અત્યંત આકરો જવાબ આપતાં ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે ભારતમાં ચૂંટણીઓ નિષ્પક્ષ થાય એની કોઈ વૈશ્ર્વિક સંસ્થાએ ચિંતા કરવાની આવશ્યકતા નથી.
અહીં ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે તાજેતરમાં કહ્યું હતું કે એવી આશા રાખીએ કે ભારતમાં થનારી ચૂંટણીઓમાં અન્ય દેશોની જેમ જ રાજકીય અને નાગરી અધિકારો સુરક્ષિત રહેશે. જેનાથી બધા સ્વતંત્ર અને નિષ્પક્ષ વાતાવરણમાં મતદાન કરવા માટે સક્ષમ હોય.
કેન્દ્રીય પ્રધાન અને લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજીવ ચંદ્રશેખરનો પ્રચાર કરવા આવેલા વિદેશ પ્રધાને કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રે અમને કહેવાની આવશ્યકતા નથી કે અમારી ચૂંટણીઓ સ્વતંત્ર અને નિષ્પક્ષ હોવી જોઈએ. અમારી પાસે ભારતના લોકો છે. ભારતના જ લોકો નક્કી કરશે કે દેશમાં ચૂંટણીઓ સ્વતંત્ર અને નિષ્પક્ષ થાય. સંયુક્ત રાષ્ટ્રને આની ચિંતા કરવાની આવશ્યકતા નથી.
ALSO READ : દરેક દેશમાંથી આપણને સમર્થન મળે તે શક્ય નથીઃ જાણો Dr. S. Jaishankarએ આમ શા માટે કહ્યું
અમેરિકાએ પણ કરી હતી ટિપ્પણી
દિલ્હી લિકર કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ અને ચૂંટણી પહેલાં કૉંગ્રેસ પાર્ટીના બેંક ખાતાઓને ફ્રીઝ કરવાના આરોપો પર અમેરિકાએ પણ બે વખત ટિપ્પણી કરી હતી.
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું કે અમેરિકા અરવિંદ કેજરીવાલની ધરપકડના અહેવાલો પર બારીકાઈથી નજર રાખી રહી છે. એક નિષ્પક્ષ કાનૂની પ્રક્રિયાને ટેકો આપે છે. અમેરિકાની આ ટિપ્પણી પર વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરતાં કહ્યું હતું કે ભારતની કાનૂની પ્રક્રિયા એક સ્વતંત્ર ન્યાયપાલિકા પર આધારિત છે, જે ઓબ્જેક્ટિવ અને સમય પર ચુકાદા લેવા માટે પ્રતિબદ્ધ છે. ભારતીય ન્યાયપાલિકા પર સવાલ ઉઠાવવો અનુચિત છે.
જર્મનીના ડિપ્લોમેટને પણ બોલાવવામાં આવ્યા હતા
ઈડી દ્વારા કેજરીવાલની ધરપકડ કરવામાં આવ્યા બાદ જર્મનીના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અમે નોંધ્યું છે કે ભારત એક લોકશાહી દેશ છે અને અમને આશા છે કે ન્યાયપાલિકાની સ્વતંત્રતા અને પાયાભૂત લોકશાહી સિદ્ધાંતોના બધા માપદંડો આ કિસ્સામાં લાગુ પાડવામાં આવશે.
જર્મન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એમ પણ કહ્યું હતું કે નિર્દોષ હોવાના અનુમાન કાયદાના શાસનનું એક મહત્ત્વનું તત્વ છે અને તે આ કેસમાં પણ લાગુ પડવું જોઈએ.
જર્મન વિદેશ મંત્રાલયની આ ટિપ્પણી પર આકરો વિરોધ નોંધાવતાં ભારતે જર્મનીના ડિપ્લોમેટને બોલાવીને કહ્યું હતું કે અમે આવી ટિપ્પણીઓને અમારી ન્યાય પ્રક્રિયામાં હસ્તક્ષેપ અને ન્યાય પાલિકાની સ્વતંત્રતાને નબળી પાડવાના પ્રયાસ તરીકે જોઈએ છીએ. ભારત કાયદાના શાસન વાળી એક જીવંત અને મજબૂત લોકશાહી છે. જે રહીતે ભારત અને અન્ય લોકશાહી દેશોમાં કાયદો પોતાનું કામ કરે છે. આ કેસમાં પણ કાનૂન પોતાનું કામ કરશે. આ કેસ અંગે પક્ષપાતપુર્ણ ધારણા બનાવવી અયોગ્ય ગણાશે.