Umar Khalid: ઉમર ખાલિદે નેરેટીવ્સ ફેલાવવા એક્ટર્સ, રાજકારણીઓ, પોર્ટલનો ઉપયોગ કર્યો હતો, દિલ્હી પોલીસનો આરોપ
નવી દિલ્હી: ભૂતપૂર્વ JNU વિદ્યાર્થી અને પોલિટીકલ એક્ટીવીસ્ટ ઉમર ખાલિદ(Umar Khalid) સામે દિલ્હી પોલીસે ગંભીર આરોપ લગાવ્યા છે. 2020ના દિલ્હી રમખાણોના કેસમાં જેલમાં બંધ ઉમરની જામીન અરજીનો વિરોધ કરતા, દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું કે ઉમર ખાલિદે નેરેટીવ્સ ફેલાવવા માટે સેલિબ્રીટીઝનો ઉપયોગ કર્યો હતો. સોશિયલ મીડિયા પર બહોલી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતા લોકો સાથે ઉમરની ચેટને ટાંકીને પોલીસે મોટું ષડ્યંત્ર રચાયું હોવાનો દાવો કર્યો હતો.
ઉમર ખાલિદ પર આરોપ છે કે તે ઉત્તરપૂર્વ દિલ્હીમાં ફેબ્રુઆરી 2020 દરમિયાન ફાટી નીકળેલા કોમી રમખાણો માટે રચાયેલા કથિત ષડયંત્રનો ભાગ હતો. તેની સામે અન-લોફુલ એક્ટીવીટી (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એડિશનલ સેશન્સ જજ સમીર બાજપાઈ સમક્ષ મંગળવારે ઉમર ખાલિદની જામીન અરજી સામે દિલ્હી પોલીસ દ્વરા દલીલો રજુ કરવામાં આવી હતી.
સ્પેશિયલ પ્રોસીકયુટર અમિત પ્રસાદે કોર્ટને જણાવ્યું હતું કે ઉમર ખાલિદના મોબાઈલ ફોન ડેટા પરથી જાણવા મળ્યું છે કે તે કેટલાક એક્ટર્સ, રાજકારણીઓ, એક્ટીવીસ્ટ અને સેલિબ્રિટીઝના સંપર્કમાં હતો અને તેમને દિલ્હી પોલીસ વિરુદ્ધ અમુક ન્યૂઝ પોર્ટલના લેખોની કેટલીક લિંક્સ મોકલી હતી.
અમિત પ્રસાદે દલીલ કરી હતી કે, “ષડયંત્ર” ના ભાગ રૂપે સોશિયલ મીડિયા પર તેના નેરેટીવ્સને ફેલાવવા ઉમર ખાલિદે આ લિંક્સ અમુક સેલિબ્રિટીઓ અને રાજકારણીઓ સાથે શેર કરી હતી.
અહેવાલ મુજબ ઉમર ખાલિદે જે લોકો સાથે આ લિંક્સ શેર કરી છે તેમાંના કેટલાક કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી, એક્ટર પૂજા ભટ્ટ, સ્વરા ભાસ્કર, ઝીશાન અયુબ, સુશાંત સિંહ, રાજકારણી અને સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર યાદવનો સમાવેશ થાય છે.
અહેવાલમાં જણાવાયું છે કે ઉમર ખાલિદ કથિત રીતે ઓનલાઈન ન્યુઝ આઉટલેટ્સ સાથે નજીકના સંપર્કમાં હતો. સરકારી વકીલે કોર્ટને કહ્યું કે ઉમર ખાલિદના પિતાએ પણ ન્યૂઝ પોર્ટલને કહ્યું હતું કે તેમને સુપ્રીમ કોર્ટમાં વિશ્વાસ નથી.
સરકારી વકીલે કહ્યું કે ખાલિદે એક વોટ્સએપ ગ્રૂપના સભ્યોને સુપ્રીમ કોર્ટની ચોક્કસ કાર્યવાહી બાદ વિરોધ પ્રદર્શન કરવા વિનંતી કરી હતી.
ઉમર ખાલીદના જામીન સામે દિલ્હી પોલીસની દલીલો સાંભળ્યા બાદ આ મામલાની સુનાવણી 10 એપ્રિલ બુધવાર પર મુલતવી રાખવામાં આવી છે.
નોંધનીય છે કે હજુ સુધી ઉમર ખાલીદ સામે ટ્રાયલ શરુ કરવામાં આવી નથી, ભૂતકાળમાં તેના પર લગાવવામાં આરોપોના આધાર અંગે પણ સવાલ ઉઠ્યા છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ, ત્રણ નિવૃત્ત હાઈકોર્ટના ન્યાયાધીશો અને ભૂતપૂર્વ ફેડરલ ગૃહ સચિવની બનેલી સમિતિએ રમખાણો પરના વિસ્તૃત અહેવાલ તૈયાર કરતી વખતે ખાલિદ વિરુદ્ધના UAPA કેસની તપાસ કરી હતી. ઓક્ટોબર 2022 માં સમિતિના અહેવાલમાં જણાવવામાં આવ્યું કે ઉમર ખાલીદ પર આતંકવાદના આરોપો લાદવા માટે કોઈ આધારભૂત પુરાવા મળ્યા નથી.