Loksabha Election 2024 : મધ્ય પ્રદેશમાં પ્રચાર દરમ્યાન ઉમા ભારતીએ સોનિયા અને રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહારો

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ઉમા ભારતીએ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી હજુ પણ પોતાને રાણી અને રાહુલને રાજકુમાર માને છે. ઉમા ભારતી મધ્યપ્રદેશના ગુના સંસદીય ક્ષેત્રના ભાજપના ઉમેદવાર, કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થનમાં શિવપુરીના પિછોરમાં પ્રચાર કરી રહ્યા હતા
આ દરમિયાન તેમણે કહ્યું કે ‘દેશ આઝાદ થયો, પરંતુ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હજુ પણ પોતાને રાણી અને રાજકુમાર માને છે. આ બંને ભ્રષ્ટાચારના કેસમાં જામીન પર છે. કોંગ્રેસે ભૂતકાળમાં એવી ભૂલો અને કુકર્મો કર્યા છે કે હવે તેના વિશે કશું કહેવાનું પણ યોગ્ય નથી.
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ કહ્યું કે કોંગ્રેસે શાસન દરમિયાન દેશને બરબાદ કરી દીધો છે. કોંગ્રેસે દેશમાં કટોકટી લાદી અને સત્તા મેળવવા માટે દેશના ભાગલા પાડ્યા. દેશમાં શીખ રમખાણો કરાવ્યા. આ બધા કોંગ્રેસના કુકર્મો છે. કોંગ્રેસે ભૂતકાળમાં એટલી બધી ભૂલો અને કુકર્મો કર્યા છે કે આજે કોંગ્રેસ વિશે કહેવા માટે કંઈ જ બાકી નથી. દેશની જનતા કોંગ્રેસ વિશે બધું જ જાણે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને વિશ્વ નેતા તરીકે સ્થાપિત કરવાનું અને દેશના વિકાસને વેગ આપવાનું કામ કરી રહ્યા છે. તેમના હાથ મજબૂત કરવા માટે દરેક ઘરના દરેક મતદારે 7મી મેના રોજ પોતાનો મત આપવા આવવાનું છે અને ભારતીય જનતા પાર્ટીને તેમના આશીર્વાદ આપવાના છે.