નેશનલ

આખરે હિંદુ ધર્મમાં શંકરાચાર્યનું શું યોગદાન છે? કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેનો સવાલ

રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ ચારેય શંકરાચાર્યએ નકાર્યું હોવાના અહેવાલો વચ્ચે ભાજપ સાંસદ અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. મુંબઇના વસઇમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે આખરે હિંદુ ધર્મમાં શંકરાચાર્યનું યોગદાન શું છે?

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ કહ્યું હતું કે આટલા વર્ષો બાદ રામમંદિર બની રહ્યું છે. આજસુધી કોઇ એવું કરી શક્યું નથી. રામ મંદિરનો મુદ્દો કોઇએ ઉઠાવ્યો નહોતો. પીએમ મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો. હવે મંદિર બની રહ્યું છે તો શંકરાચાર્યએ મંગળ કામના કરવી જોઇએ. તેઓ પીએમ મોદી અને ભાજપને રાજકીય દ્રષ્ટિકોણથી જોઇ રહ્યા છે. પરંતુ આ કાર્યક્રમ ધાર્મિક છે. આપણા ધર્મ અંગેનો છે. રામ આપણા સૌના ભગવાન છે અને આ બધું જ તેમના વિશે છે. આપણે હવેથી ભગવાન શ્રીરામના દર્શન કરી શકીશું. શંકરાચાર્યનું યોગદાન શું છે?

અમુક મીડિયા અહેવાલો મુજબ, રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવાનો ચારેય શંકરાચાર્યએ ઇનકાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે આ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શાસ્ત્રોક્ત રીતિરિવાજો મુજબ નથી થઇ રહી. મંદિરનું બાંધકામ હજુ ચાલુ છે, તેવામાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાવી ન જોઇએ. જ્યાં શાસ્ત્રીય વિધિનું પાલન ન થઇ રહ્યું હોય ત્યાં અમારું જવું પણ ઉચિત નથી. જો શાસ્ત્રોમાં દર્શાવેલી પરંપરા મુજબ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ન થાય તો તે અશુભ ગણાય છે. મૂર્તિમાં દેવી દેવતાઓનો વાસ હોય તેને બદલે અશુભ તત્વોનો વાસ થાય છે અને પૂજા-અર્ચના દ્વારા તે વધુ શક્તિશાળી બને છે. આ એક રાજકીય સમારોહ હોય તેવું લાગી રહ્યું છે. અને સરકાર તેનું રાજકીયકરણ કરી ચુકી છે તેવું શંકરાચાર્ય દ્વારા કહેવામાં આવ્યું હતું.

ભારતમાં અનેક વર્ષો પહેલા આદિ શંકરાચાર્ય દ્વારા શંકરાચાર્યની પરંપરા શરૂ થઇ હતી. તેમણે ભારતમાં 4 મઠોની સ્થાપના કરી હતી. જેમાં ઉત્તરમાં બદ્રિકાશ્રમનો જ્યોતિર્મઠ, દક્ષિણનો શ્રૃંગેરી મઠ, પૂર્વમાં જગન્નાથપુરીનો ગોવર્ધન મઠ અને પશ્ચિમમાં દ્વારકા મઠ સામેલ છે. આ ચારેય મઠ પર આદિ શંકરાચાર્યએ પોતાના પ્રમુખ શિષ્યોની નિમણુક કરી સંપ્રદાયની જવાબદારીઓ સોંપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button