પાકિસ્તાનને ‘આતંકવાદનું કેન્દ્ર’ ગણાવ્યા બાદ કોંગ્રેસ નેતાનો સવાલ: ક્રિકેટ શા માટે રમો છો?

જયશંકરના નિવેદન અંગે ઉદિત રાજે કેન્દ્ર સરકારને ઘેરી, પૂછ્યું એશિયા કપ કેમ રમાયો?
નવી દિલ્હી/ન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN General Assembly)ના ૮૦મા સત્રમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર ઘેર્યું હતું. વિદેશ પ્રધાન એસ. જયશંકરે પોતાના સંબોધનમાં પાકિસ્તાનને “વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર” ગણાવીને આતંકવાદને પ્રાયોજિત કરનારા દેશોને કઠોર ચેતવણી આપી હતી. જોકે, જયશંકરના આ નિવેદન બાદ કોંગ્રેસ નેતા ઉદિત રાજે કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા અને તેના બેવડા વલણ પર સવાલો ઉઠાવ્યા હતા.
વિદેશ પ્રધાન એસ. જયશંકરે UNGAમાં વિશ્વના નેતાઓને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું કે ભારત સ્વતંત્રતા પછીથી જ આતંકવાદના પડકારનો સામનો કરી રહ્યું છે, કારણ કે તેનો એક પાડોશી “વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર” છે. તેમણે ચેતવણી આપી કે આતંકવાદને પ્રાયોજિત કરનારા રાષ્ટ્રોને સમર્થન આપનારાઓને જાણ થશે કે આ આતંકવાદ “પલટીને તેમને જ ડંખ દેશે.” તેમણે આતંકવાદને કટ્ટરતા, હિંસા, અસહિષ્ણુતા અને ડરનું મિશ્રણ ગણાવ્યું અને તેનો સામનો કરવો એ ભારતની વિશેષ પ્રાથમિકતા હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો: કુખ્યાત આતંકવાદીઓ પાકિસ્તાનના ખુલ્લે આમ કામ કરે છે; એસ જયશંકરે પાકિસ્તાને ઉઘાડું પડ્યું
વિદેશ પ્રધાનના સંબોધન બાદ કોંગ્રેસ નેતા ઉદિત રાજે કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા. મીડિયાએ કરેલા સવાલમાં તેમણે પૂછ્યું હતું કે “જો પાકિસ્તાન આતંકવાદનો અડ્ડો છે, તો પછી તેની સાથે ક્રિકેટ શા માટે રમો છો? ઉદિત રાજે એસ. જયશંકરના નિવેદનને અને પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા દેવાને “બેવડું વલણ” ગણાવ્યું હતું.
તેમણે સવાલ કર્યો કે જ્યારે ‘ઓપરેશન સિંદૂર’ ચાલુ છે, ત્યારે ભારત સરકાર આતંકી દેશ સાથે એશિયા કપ શા માટે રમી રહી છે. તેમણે ક્રિકેટમાં પણ લાખો-કરોડોનું લેવડ-દેવડ કરીને મેચના પરિણામો નક્કી થતા હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો, જેના પર ભારત સરકારે જવાબ આપવો જોઈએ.