પાકિસ્તાન સામે ક્રિકેટ રમાય અને વાંગચૂક દેશદ્રોહી કહેવાય

ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકારને આડે હાથ લઈ આજની ભારત – પાકિસ્તાન ફાઈનલનો બહિષ્કાર કરવાની અપીલ કરી
મુંબઈ: એક્ટિવિસ્ટ સોનમ વાંગચૂકની ધરપકડ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે પડકાર્યો હતો. આપણા લશ્કર માટે જે વ્યક્તિએ સોલાર ટેન્ટ જેવી ટેકનોલોજી વિકસાવી છે એને દેશદ્રોહી ઠેરવવામાં આવે છે અને પાકિસ્તાન વિરુદ્ધ ક્રિકેટ મેચ રમવાનું ચાલુ રાખવામાં આવે છે. મુંબઈમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવે ‘દેશભક્તો’ને રવિવારે રમાનારી એશિયા કપની ભારત – પાકિસ્તાન ફાઈનલ મેચનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને ભારત – પાકિસ્તાન મેચ દરમિયાન પોતાની એડવર્ટાઇઝમેન્ટ નહીં દર્શાવવા કંપનીઓને આગ્રહ કર્યો છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં રાજ્યનો દરજ્જો અને બંધારણીય સુરક્ષાને મુદ્દે હિંસક વિરોધ પ્રદર્શનમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા અને 90 જણ ઘવાયા હતા. એના બે દિવસ પછી શુક્રવારે ક્લાઈમેટ ચેન્જના મુદ્દે ઝુંબેશ ચલાવતા એક્ટિવિસ્ટ વાંગચુકની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર કડક રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (એનએસએ) લાગુ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સોનમ વાંગચુકને લેહથી રાજસ્થાનના જોધપુર ખસેડવામાં આવ્યા
લેહ એપેક્સ બોડી (એલએબી) અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (કેડીએ) માટે આગળપડતો ભાગ ભજવતા વાંગચુક લેહ અને કારગિલના રહેવાસીઓ માટે રાજ્યનો દરજ્જો અને બંધારણીય સુરક્ષાની માંગ સાથે પાંચ વર્ષથી લાંબા આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. (પીટીઆઈ)