તો ‘INDIA’ allianceની જવાબદારી ઉદ્ધવ ઠાકરે અને નિતીશ કુમાર પર?
મુંબઇ: લોકસભા 2024ની ચૂંટણી માટે હવે ગણતરીના મહિના બાકી છે. આ ચૂંટણીમાં વિજય મેળવવા તમામ પક્ષોએ કમર કસી લીધી છે. ભાજપને હરાવવા માટે વિરોધી પક્ષોએ ભેગા થઇ ઇન્ડિયા ગઠબંધનની સ્થાપના કરી છે. પણ હવે ઇન્ડિયા ગઠબંધનનો આ સંઘ કાશીએ પહોંચશે કે કેમ? એની સામે બધાની નજર છે. કારણ કે ચૂંટણીને હવે જૂજ મહિના બાકી છે છતાં ઇન્ડિયા ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઇને મતભેદ ચાલી રહ્યાં છે. દરમીયાન નીતીશ કુમારને મનાવવા માટે ઉદ્ધવ ઠાકરેએ તેમની સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. ઇન્ડિયા ગઠબંધનની જવાબદારી આપડે લેવી પડશે એમ ઉદ્ધવ ઠાકરેએ નિતીશ કુમારને કહ્યું હતું.
ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષોની પોતાની મહત્વકાંક્ષા છે. અને માટે ઇન્ડિયા ગઠબંધનમાં બેઠકોની વહેંચણી બાબતે કોઇ નિર્ણય થઇ શક્યો નથી. યૂપી, બિહાર અને મહારાષ્ટ્રની વાત કરીએ તો માત્ર આ ત્રણ રાજ્યમાં લોકસભાની કુલ 168 બેઠકો છે. ઇન્ડિયા ગઠબંધન આ રાજ્યોમાં પણ બેઠકોની વહેંચણી બાબતે કોઇ નિર્ણય લઇ શક્યું નથી.
ત્યારે હવે આ બધાની વચ્ચે શિવસેના (યુબીટી) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ બિહારના મુખ્ય પ્રધાન અને જદયુના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીશ કુમાર સાથે ફોન પર વાત કરી હતી. આ બંનેની ફોન પર થયેલી વાતચીતને આધારે કહી શકાય કે હવે ઇન્ડિયા ગઠબંધનનો દારોમદાર આ બંને ઉપર જ છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઉદ્ધવ ઠાકરેએ નિતીશ કુમારને ફોન પર કહ્યું કે, ભાઇ એસે કેસે ચલેગા? હજી સુધી આપડે કંઇ જ કર્યું નથી. આપડી કોઇ રેલી નથી થઇ. કોઇ સંયોજક પણ નથી બન્યા.
બેઠકોની વહેંચણીની વાત પણ આગળ નથી વધી રહી. નિતીશ કુમારે આના જવાબમાં કહ્યુ કે, હા એવું તો છે. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભદવાન રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. લાગે છે કે ત્યાર બાદ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. ત્યારે હવે આપડી પાસે સમય બચ્યો ક્યાં છે? સમય જ નથી.
ઉદ્ધવ ઠાકરેએ નિતીશ કુમારને કહ્યું કે આપડે જ કંઇક કરવું પડશે. કારણ કે કોંગ્રેસ દ્વારા આ વાતને આગળ વધારવા માટે જે પહેલ થવી જોઇએ એ નથી થઇ રહી. ત્યારે આના જવાબમાં નિતીશ કુમારે કહ્યું કે, હું તૈયાર છું.
આ ટેલિફોનીક ચર્ચા બાદ જ વર્ચ્યુઅલ બેઠક લેવાની અને નિતીશ કુમારને ઇન્ડિયા ગઠબંધનમાં સંયોજક બનાવવાની વાત થવા લાગી. પણ જો હવે નિતીશ કુમારને સંયોજક બનાવવામાં આવે તો પણ સમય ક્યાં છે. તેઓ આખા દેશમાં કઇ રીતે ફરી શકશે? તેઓ માહોલ ઊભો કરવા આવું કરવા ઇચ્છતા હતાં. પણ હજી સુધી એક રેલી પણ થઇ શકી નથી.