શું ઉદ્ધવ ઠાકરે જૂથના આ મહિલા સાંસદ ભાજપ ભણી?
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. સતત બે ટર્મથી જીતી રહેલા ભાજપમાં કૂદવાની ઈચ્છા ઘણા સાંસદો-નેતાઓને છે. હવે આવા એક મહિલા નેતાનું નામ બહાર આવ્યું છે. જો આ અટકળ સાચી નીકળશે તે ઉદ્ધવ ઠાકેરની શિવસેના માટે વધુ એક ફટકો સાબિત થશે.
ઠાકરે જૂથના સાંસદ ભાજપમાં ભણી ચાલ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. થોડા મહિનામાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ઠાકરે જૂથના વધુ એક સાંસદ પક્ષમાંથી વિદાય લેશે તેવું માનવામાં આવે છે.
મળતી માહિતી અનુસાર દાદરા અને નગરહવેલીના સાંસદ કલાબેન ડેલકર ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત ખૂબ જ સકારાત્મક રહી. પરંતુ ડેલકર પરિવાર કામદારો સાથે વાતચીત કર્યા બાદ અંતિમ નિર્ણય લેશે. કલાબેન ડેલકરની વિદાયથી ઠાકરે જૂથને મોટો ફટકો પડી શકે છે. મોદી સાથેની તેમની મુલાકાતના ફોટા લાયરલ થયા ત્યારથી ટકળોનું બજાર ગરમાયું છે.
કલાબેન ડેલકર સાંસદ મોહન ડેલકરના પત્ની છે. મોહન ડેલકરે 2021માં મુંબઈના નરીમાન પોઈન્ટ ખાતે આવેલી સી ગ્રીન હોટેલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. ડેલકરની આત્મહત્યા માટે સ્થાનિક વહીવટીતંત્રને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું. મોહન ડેલકરના અવસાન બાદ થયેલી પેટાચૂંટણીમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કલાબેન ડેલકરને ઉમેદવાર બનાવ્યા હતા. ડેલકરની આત્મહત્યા ખૂબ જ વિવાદાસ્પદ રહી હતી.
દરમિયાન પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારને હરાવીને કલાબેન ડેલકરે જીત મેળવી હતી. ઠાકરે જૂથના ફાયરબ્રાન્ડ નેતા સંજય રાઉત, પૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેએ કલાબેન ડેલકરની ચૂંટણી માટે પ્રચાર કર્યો હતો. કલાબેન ડેલકર આ ચૂંટણીમાં જીત્યા અને મહારાષ્ટ્રની બહાર ચૂંટાયેલા પ્રથમ શિવસેના સાંસદ બન્યા હતા. હવે જો તેઓ ભાજપમાં જશે તો ઠાકરે જૂથ એક વધુ સાંસદ ખોશે અને સાથે મહારાષ્ટ્રની બહાર તેમની હાજરી પણ નહીવત થઈ જશે.