ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. તમામ વૈશ્વિક એજન્સીઓની સાથે મોટા દેશોએ પણ ભારતના વખાણ કર્યા છે. તેમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)નો પણ સમાવેશ થાય છે, જે ભારતમાં મોટા રોકાણની યોજના બનાવી રહ્યું છે. આ કોઈ નાનું રોકાણ નહીં, પરંતુ 50 અબજ ડોલરનું રોકાણ હશે. ભારતીય અર્થવ્યવસ્થા પર ઓળઘોળ થઇ રહેલા UAEને જોઈને ચીનને મરચા લાગે તે સ્વાભાવિક જ છે, કારણ કે ભારતને પોતાના કટ્ટ્ર પ્રતિસ્પર્ધી તરીકે જોતા ચીનથી ભારતની પ્રગતિ સાંખી શકાતી નથી. હાલમાં ચીન આર્થિક મોરચે સંઘર્ષ કરી રહ્યું છે અને પોતાની ડગમગી રહેલી અર્થવ્યવસ્થાને પાટે ચઢાવવા માટે પ્રયત્નશીલ છે.
ભારતમાં 50 અબજ ડોલરના રોકાણમાંથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં 5 બિલિયન ડોલરનું રોકાણ કરવાની યુએઇની યોજના છે. હાલમાં આઈ.પી.એલની બ્રાન્ડ વેલ્યુ 30 બિલિયન ડોલર છે. યુએઇ આવતા વર્ષની શરૂઆતમાં તેની યોજનાઓ વિશે જણાવી શકે છે. જુલાઈમાં નરેન્દ્ર મોદીની યુએઇની મુલાકાત દરમિયાન તેમણે પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ યુએઇ વધુ રોકાણ કરવાનું વિચારી રહ્યું છે.
છેલ્લા 10 વર્ષોમાં, બંને દેશો તેમના સંબંધોને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છે અને ક્રૂડ ઓઇલ સિવાયના અન્ય વેપારને $ 100 બિલિયન સુધી વધારવા માંગે છે. મોદીએ તાજેતરમાં અબુ ધાબીની મુલાકાત લીધી હતી, જે 2014માં વડાપ્રધાન બન્યા બાદ ખાડી દેશની તેમની પાંચમી મુલાકાત છે. તેમના પહેલાં 1981માં ઈન્દિરા ગાંધી યુએઇની મુલાકાત લેનારા છેલ્લા ભારતીય વડાપ્રધાન હતા.
યુએઇ પ્રમુખના ભાઈ શેખ તહનુન ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપનીના ચેરમેન છે, જેણે તાજેતરમાં ગૌતમ અદાણીની ફ્લેગશિપ ગ્રૂપમાં 5 ટકા હિસ્સો જાહેર કર્યો હતો. યુએઇને જમ્મુ અને કાશ્મીરમાં રોકાણ કરવામાં પણ ઘણો રસ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને